- તાપીમાં પશુઓની હેરાફેરી કરતા 8 લોકો ઝડપાયા
- કતલખાને લઈ જવાતા 69 પશુઓ સાથે 8 ઝડપાયા.
- પશુઓ સહિત અંદાજે 52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
તાપી જિલ્લામાંથી પશુઓની હેરાફેરીની એક મોટી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરીને કતલખાને લઈ જવાતા 69 પશુઓને મુક્ત કરાવ્યા છે સાથે જ 8 આરોપીઓને ઝડપી લીધા છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે તાપી જિલ્લા પોલીસે સોનગઢ પાસેના ઓટા ગામની ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી બાતમીના આધારે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પીઆઈ વાય એસ શિરસાઠેએ છટકું ગોઠવ્યું હતું જેમાં અસામાજિક તત્વો આબાદ ફસાયા હતા. ઓટા ગામે ફોરેસ્ટ ચેક પોસ્ટ પરથી પોલીસે ચાર ટ્રકોમાં પાસ પરમીટ વગર કતલખાને લઈ જવાતા 4 ટ્રકને ઝડપી પાડ્યા હતા. જેમાં 69 ભેંસો હતી અને 8 આરોપીઓ સાથે હતા.
આ તમામ પશુઓની બજાર કિંમત આશરે 52 લાખ રૂપિયાથી વધુની થવાની જાય છે એવી માહિતી પોલીસસૂત્રોએ આપી હતી. મહત્વનું છે કે આ તમામ પશુધનને પાસ પરમિટ વગર કસાઈવાડે લઈ જવામાં આવતા હતા જેને પોલીસે બાતમીના આધારે રોકીને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બીજી એક નોંધનીય વિગત એવી છે કે આ તાપી જિલ્લાની મહારાષ્ટ્ર બોર્ડર ખાસ કરીને ગૌવંશને કતલખાને લઈ જવાની હેરાફેરી માટે બદનામ છે. આ પહેલા પણ અહીંથી ઝડપાયેલા અનેક અપરાધીઓને સજા થઈ ચૂકી છે.
મૂંગા અબોલ જીવોની આ ગેરકાયદે કતલેઆમ બંધ થાય તે માટે જીવદયાપ્રેમીઓની તંત્રની પાસે લાગણી છે કે આવા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવે અને પશુઓને આવી હત્યાઓથી મુક્ત કરાવી તેમનો જીવ બચાવવામાં આવે.