અકસ્માત બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક ફરાર
અગ્ર ગુજરાત રાજકોટ
રાજકોટ-ભાવનગર હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર અને બાઈક વચ્ચેની ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાથી હાઈવે પર શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર, આ અકસ્માત રાજકોટ-ભાવનગર હાઈવે પર બાબરા નજીક બન્યો હતો. એક ડમ્પર અને બાઈક સામસામે આવી જતાં જોરાદાર ટક્કર થઈ હતી. આ ભયાવહ અકસ્માતમાં ડમ્પરના તોતિંગ વ્હીલ બાઈકચાલકના માથાના ભાગે ફરી વળ્યા હતા, જેના કારણે ભાવેશ શંભુભાઈ કારયાણી નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
દુર્ઘટના સમયે બાઈકની પાછળ બેઠેલો અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ, તેને પોસ્ટમોર્ટમ માટે બાબરાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બાબરા પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.