અકસ્માતમાં માતા અને પુત્રી ઇજાગ્રસ્ત થતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી
વેરાવળ સુત્રાપાડા રોડ ઉપર કાળમુખા ટ્રકે રોડ સાઇડ ઉભેલા એક પરિવારને અડફેટે લેતા પિતા અને સાત વર્ષના પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે માતા અને બે પુત્રીઓને ઇજા સાથે સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતોનુસાર સુત્રાપાડા ખાતે રહેતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ પોતાની એક્ટીવા મો.સાયકલમાં પોતાની પત્નિ તથા ત્રણ બાળકો સાથે મીઠાપુર ગામ પાસે શિતળા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે લાટી ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં એક્ટીવા મો.સા. ઉભી રાખી ઉભા હતા. એ સમયે ટ્રક રજી.નં જી.જે. 10 ટીટી 3713 ના ચાલકે પોતાના હવાલાનો ટ્રક ઍકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રમેશભાઈ જેઠાભાઈને તથા તેના પરિવારને હડફેટે લીધા હતા. જેમાં રમેશભાઈ રાઠોડ તથા તેના સાત વર્ષના દિકરા ત્રિલોકને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જ્યારે રમેશભાઈ ના પત્નિ રામેશ્વરીબેન તથા પુત્રી સારીકા અને સીરતાને ઇજાઓ પહોંચી હોવાથી પ્રથમ સુત્રાપાડા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વેરાવળ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતના પગલે હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થયેલ જયારે મૃતકના પરીવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
આ ઘટના બનતા ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈ સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કાળમુખા ટ્રક ચાલકે નાના એવા પરિવારનો માળો વીખી નાખતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અકસ્માત અંગે સોમનાથ મરીન પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ipc 279,304 A,337,338 તેમજ મોટર વહીલ એકટની કલમ 117,184,134 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.