- હત્યા કર્યા બાદ લાશ લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયો
- બે મિત્ર આખો દિવસ સાથે ફર્યા બાદ કારમાં ઝઘડો થયો અને ખૂની ખેલ ખેલાયો
- મિત્રની હત્યા કર્યા બાદ ન્યૂઝીલેન્ડ રહેતા પિતાને ફોન કરી હકીકત જણાવી
ચાંદલોડિયામાં રહેતા અને સિલ્વર ઓક કોલેજમાં ભણતા બે મિત્રો વચ્ચે પ્રેમિકા સાથે વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો. આ મામલો ઉગ્ર બનતા એક મિત્રે બીજા મિત્રની કારમાં જ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી યુવકે ન્યૂઝીલેન્ડમાં રહેતા તેના પિતાને ફોન કરીને જાણ કરતા તેમણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું. આથી આરોપી યુવક કારમાં લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ચાંદલોડિયામાં રહેતા અને નવરંગપુરામાં એક્સેલ એન્જિનિયર્સ નામની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હસમુખ હિરાભાઇ પ્રજાપતિનો મોટો પુત્ર સ્વપ્નીલ સિલ્વર ઑક કોલેજમાં અભ્યાસ કરે છે. સ્વપ્નીલને ઓઢવમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેની જાણ યુવતીના પિતાને થતાં તેમણે પોલીસ કેસ કરવાનું જણાવ્યું હતું. શનિવારે સ્વપ્નીલ ઘરેથી કહ્યા વગર તેના મિત્રો સાથે ફરવા જતો રહ્યો હતો. રાતના 8 વાગ્યાની આસપાસ હસમુખભાઇએ ઘરે વહેલા આવવા માટે સ્વપ્નીલને ફોન કરીને કહ્યું હતું. મોડી રાત્રે વેદાંત અને સ્વપ્નીલ બન્નેએ તેમના મિત્રોને ઉતારીને ગાડી લઇને ચાંદલોડિયા વિશ્વકર્મા બ્રિજ પાસે ગયા હતા. જ્યાં વેદાંત અને સ્વપ્નીલ વચ્ચે યુવતીને લઇને બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન વેદાંતે ઉશ્કેરાઇ જઇને સ્વપ્નીલ પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આટલુ જ નહીં, વેદાંતે હત્યા કર્યા બાદ ન્યુઝીલેન્ડમાં રહેતા તેના પિતા જોગેશ્વરને ફોન કરીને સમગ્ર ઘટના જાણ કરી હતી. આથી જોગેશ્વરે પુત્ર વેદાંતને કહ્યું કે, ભલે કારમાં લાશ હોય પરંતુ તું કાર લઇને પોલીસ સ્ટેશન પહોંચી જા. આથી વેદાંત મિત્રની લાશ સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચીને કેમ્પસમાં કાર પાર્ક કરી હતી. બાદમાં વેદાંત પોલીસ સ્ટેશનમાં અંદર જઇને કહ્યુ કે, મે મારા મિત્રની હત્યા કરી છે ચાલો બહાર હું બતાવુ. આ સાંભળીને પોલીસ ચોંકી ઉઠીને વેદાંત સાથે કેમ્પસમાં આવતા જ ઇકો સ્પોર્ટસ કારમાં ડ્રાઇવરની બાજુની સીટમાં સ્વપ્નીલ પ્રજાપતિની લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હતી. પોલીસે તાત્કાલિક વેદાંતની અટકાયત કરીને ડેડબોર્ડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આ અંગે મૃતકના પિતા હસમુખભાઇએ સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી વેદાંત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપી વેદાંતના પિતા ન્યુઝીલેન્ડમાં બિઝનેસ કરે છે. વેદાંત એકલો પીજીમાં રહીને અભ્યાસ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી વેદાંત સ્વપ્નીલની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો હોવા બાબતે ઝઘડો થયો હતો
વેદાંતે કબૂલાત કરતા જણાવ્યું કે, તે રવિવાર બપોરથી સ્વપ્નીલ સાથે કારમાં અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા. સ્વપ્નીલ અવારનવાર પૈસાની માગણી કરતો હતો, પરંતુ મેં પૈસા આપ્યા ન હતા. આથી સ્વપ્નીલે વિશ્વકર્મા બ્રિજ પાસે કાર ઊભી રાખીને ‘તું કેમ મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાતો કરે છે’ કહીને ફરી ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન વેદાંતે ચપ્પુ કાઢીને સ્વપ્નીલ પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અગાઉ પણ પ્રેમપ્રકરણમાં સિલ્વર ઑકના વિદ્યાર્થીની હત્યા થઇ હતી
સોલા વિસ્તારમાં અગાઉ એક ફૂલ બે માળી જેવી ઘટનામાં એક શખ્સે ‘તું કેમ પેલી યુવતી સાથે વાત કરે છે’ તેમ કહીને યુવકને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. મહત્ત્વનું છે કે, મૃતક સિલ્વર ઑક કોલેજનો જ વિદ્યાર્થી હતો.