- રિક્ષા ચાલકો પેંડો ખાતાની સાથે જ ભાન ભૂલી જાય છે અને બેથી ત્રણ દિવસે ભાનમાં આવે
- લૂંટારું ટોળકી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશને ઊભેલા વૃદ્ધ રિક્ષાચાલકને ટાર્ગેટ કરે છે
- શહેરમાં અને ગ્રામ્યમાં મળીને ટોળકી સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે
શહેરમાં પેસેન્જરના સ્વાંગમાં મહિલા લૂંટારુઓની ટોળકી છેલ્લાં થોડાંક સમયથી સક્રિય થઇ છે. આ મહિલા લૂંટારુઓની ટોળકી પૂર્વ વિસ્તારમાં આવેલ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનની બહાર પેસેન્જરની રાહ જોઇને ઉભેલા વૃધ્ધ રિક્ષાચાલકને ટાર્ગેટ કરે છે. જેમાં લૂટારૂ ટોળકી પેસેન્જર તરીકે રીક્ષામાં બેસીને ચોક્કસ મંદિરો પર દર્શન કરવા માટે જાય અને દર્શન કરીને આવ્યા બાદ પ્રસાદીનો પેંડો રિક્ષાચાલકને આપતા હોય છે. જે ખાધા બાદ રિક્ષાચાલકો રીક્ષા ચાલક થોડીજ વારમાં ભાન ભૂલી જાય છે. ભાન ભૂલ્યા બાદ લૂંટારૂ ટોળીના અન્ય સભ્યો આવીને રિક્ષાચાલકને અવાવરૂ જગ્યા પર લઇ જઇને રીક્ષા ચાલકને લૂંટી લેતા હોય છે. ત્યારે રિક્ષાચાલકો બે થી ત્રણ દિવસે બરોબર ભાનમાં આવે છે. ત્યારે શહેરમાં અને ગ્રામ્યમાં કુલ ત્રણ ગુનાઓ આ પ્રકારે બની ચૂક્યા છે.
શહેરના રીક્ષા ચાલકોના જીવને જોખમ ઉભું થાય તેવા બનાવો પૂર્વ વિસ્તારમાં બની રહ્યા છે. રીક્ષામાં મોઢે દુપટ્ટો બાંધીને કેટલીક લૂંટારૂ મહિલાઓ પેસેન્જરના સ્વાંગમાં રીક્ષામાં બેસે છે અને બાદમાં મંદિરની પ્રસાદી છે તેમ કહીને રીક્ષા ડ્રાઈવરને પ્રસાદી ખવડાવે છે. થોડી વારમાં જ રીક્ષા ચાલક બેહોશ થઇ જતા હોય છે, ત્યારબાદ આ મહિલા ટોળકી અને તેમના સાથીદારો ત્યાં આવી જાય છે અને રીક્ષા ચાલક પાસેથી જે કઈ પણ મળે તે લૂંટીને ફરાર થઇ જાતા હોય છે. જેમાં મણીનગર અને કાલુપુર રેલ્વે સ્ટેશનમાંથી આવી મહિલાઓની ટોળકી આવે છે અને વૃદ્ધ રીક્ષા ચાલકને ટાર્ગેટ બનાવી તેઓની જ રીક્ષામાં બેસવાનું પસંદ કરે છે. તે પછી રીક્ષાને પૂર્વ અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં આવેલા નક્કી કરાયેલા મંદિરો તરફ્ લઇ જાય છે જ્યાં આગળઆ મહિલા ટોળકીના કેટલાક લોકો પ્રસાદીનું પેકેટ લઈને ઉભા જ હોય છે અને પ્રસાદીના પેકેટમાં નશાના દ્રવ્યો મેળવેલો પેંડો અલગથી જ મુકેલો હોય છે અને ચાલુ રીક્ષામાં મહિલા રીક્ષા વાળાને પ્રસાદી લેશો તેમ કહીને નશા યુવક પેંડો આપે છે જે ખધાના થોડાંક કલાકોમાં જ રીક્ષા ચાલકની આખો ઘેરાવા લાગે છે બેહોશ થઇ જાય છે ત્યારબાદ અસલ ખેલ શરુ થતો હોય છે.
મહિલા ટોળકીના કેટલાક લોકો રીક્ષાની પાછળ આવતા હોય છે અને જેઓ રીક્ષા ચાલક બેહોશ થઇ જાય અને રીક્ષા ઉભી રહી જાય એટલે પાછળ આવી રહેલા શખ્સો રીક્ષા ડ્રાઈવરનો સરસમાન લૂંટીને ફરાર થઇ જાય છે.મહત્વનું છે કે મહિલાઓ પણ રસ્તાઓની જાણકાર હોય છે તેવા રસ્તાએથી જ રીક્ષા લેવડાવશે જ્યાં સીસીટીવી કેમેરા હોય નહી કે પછી ઓછા હોય. નાની શેરીઓમાંથી રીક્ષા લઇ જવાનો આગ્રહ રાખતી હોય છે તેનું કારણ એ છે કે જ્યારે રીક્ષા ચાલક હોશમાં આવશે ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવશે અને પોલીસ પણ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ સૌ પ્રથમ કરશે. જેથી પોલીસની ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરાથી બચી શકાય માટે આવો કીમિયો મહિલા લૂંટારુઓ અપનાવે છે.
વધુ પ્રમાણમાં કેફી દ્રવ્ય ભેળવાય તો જીવ જોખમાઈ શકે
પેંડામાં કેફી દ્રવ્ય વધુ પ્રમાણમાં ભેળવવામાં આવે તો જે તે વ્યક્તિનો જીવ જઈ શકે છે, મોટા ભાગના કિસ્સામાં ઠગાઈ આચરતી ટોળકી પેંડામાં કે અન્ય કોઈ ખાણી પીણીની વસ્તુમાં કેફી દ્રવ્ય નાખે છે, જેમાં પીડિત વ્યક્તિ ત્રણથી ચાર કલાક બેભાન રહે છે, તેમ અમદાવાદની સરકારી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. પ્રદીપ પટેલે જણાવ્યું છે.
મહિલા લૂંટારુંઓની ગેંગના ત્રણ કિસ્સાઓ
1. મણિનગરમાં રહેતા શૈલેષભાઇ વ્યાસ રિક્ષા ચલાવે છે. ગત 19 ઓગસ્ટ 2023એ ગોરધનવાડી ટેકરા નજીક ઊર્મિકુંજ સોસાયટી એક અજાણી મહિલા ઉભી હતી અને રિક્ષાચાલકે પેસેન્જર સમજીને રિક્ષામાં બેસાડી હતી. જે બાદ મહિલા રિક્ષાચાલકને ભાડુઆતનગર યમુનાજીની હવેલી પાસેથી મિઠાઇ લઇને ઘોડાસર ચોકડી પાસે આવેલ વૈભવ લક્ષ્મી માતાજીના મંદિરે લઇ જઇને પ્રસાદી ધરાવી આવીને તે પેંડો પ્રસાદીરૂપે મહિલાએ રિક્ષાચાલકને ખવડાવ્યો હતો. જે બાદ રિક્ષાચાલકને કંઇ ભાન રહ્યુ ન હતુ. રિક્ષાચાલકે કુલ રૂ.60 હજારની પહરેલ સોનાની ચેઇન અને બે વિંટી કાઢી લઇને ફરાર થઇ ગઇ હતી. જે બાદ કૃષ્ણનગર પાસેથી રિક્ષાચાલક બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
2. બહેરામપુરામાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ શિવનારાયણ યાદવ રીક્ષા ચલાવે છે. ગત 13સપ્ટેમ્બરે રેલ્વે સ્ટેશનની બહાર ઉભા હતા. ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીએ રખિયાલ જવા માટે રીક્ષા ભાડે કરી. વૃદ્ધે મહિલા પેસેન્જરને બેસાડી બાદ રખિયાલ ચાર રસ્તા પાસે મેલડી માતા તથા માતાજીના મંદિરે દર્શન કરવા માટે રીક્ષા ઉભી રખાવી હતી,બાદ રીક્ષા નાના ચિલોડા તરફ્ જવા દીધી હતી,આ દરમ્યાન મહિલાએ પ્રસાદનો પેંડો રીક્ષા ચાલકને આપ્યો હતો જે ખાધા બાદ રીક્ષા ચાલકને બે દિવસ બાદ હોશ આવ્યો ત્યારે તે હોસ્પિટલમાં પડયો હતો.
3. નિકોલમાં રહેતા વૃદ્ધ રીક્ષા ચાલક ધરમશીભાઈ રબારી ગત ઓગસ્ટ મહિનામાં સીટીએમ ચાર રસ્તા પાસે રીક્ષા લઈને ઉભા હતા અને મહિલાએ લાંભા બળિયાદેવના મંદિર સુધીની રીક્ષા ભાડે કરીને મંદિરે દર્શન કરી લીધા બાદ ઓડ ગામમાં આવેલા બીજા મંદિરે લઇ ગઈ અને ત્યાંથી પાછા ફરતી વખતે મહિલાએ રીક્ષા ચાલકને પ્રસાદ રૂપે પેંડો ખવડાવ્યો જેના થોડાંક કલાકોમાં જ રીક્ષા ચાલકબેહોશ થઇ ગયા, ધરમશીભાઈ ત્રણ દિવસ બાદ હોશમાં આવ્યા હતા. અને 41 હજારની મત્તાલૂંટાઈ ગઈ હતી.