- પતિને તરછોડી બોયફ્રેન્ડ સાથે રહેતી લલનાના પ્રેમમાં યુવક ન ઘરનો ન ઘાટનો રહ્યો
- મકાન વેચાણ કરાવી દઇ મળેલી રોકડ ચોરી બોયફ્રેન્ડ સાથે ફરાર થઇ ગઇ
- યુવકની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ હતી
વેલેન્ટાઇન ડે ! એટલે કે પ્રેમનો દિવસ ! આ દિવસે વેડ રોડ ઉપર રહેતા એક યુવકે તેની પ્રેમિકા વિરુદ્ધ અધધ કહી શકાય તેવી રોકડા 96.44 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એક સમયે તેના બોયફ્રેન્ડ સાથે ભાડે રહેતી પરિણીતાએ મકાન માલિકને પ્રેમજાળમાં ફસાવી મકાન વેચાવડાવી દઇ મળેલી રોકડ બોયફ્રેન્ડ સાથે મળી ચોરી ફરાર થઈ જતાં યુવકની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત પ્રમાણે વેડ રોડ ઉપર સિદ્ધિ વિનાયક એપા.માં રહેતા દિલીપ ધનજી ઉકાણી (ઉં.વ. 37) મંગળવારે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. તેના ઘરમાં પડેલા રોકડા રૂપિયા 96.44 લાખ રૂપિયા તેની પ્રેમિકા જયશ્રી દિનેશ ભગત ચોરી ગયાનું જણાવતાં પોલીસની પણ આંખો પહોળી થઇ હતી. આ યુવકે જણાવ્યું હતું કે તે પરિણીત અને એક સંતાનનો પિતા છે. પત્ની સાથે અણબનાવ હોઇ તે પિયર રહેતી હતી. તેમનું વડીલોપાર્જિત મકાન કતારગામ કૃષ્ણકુંજ સોસાયટીમાં હતું. નીચેનો રૂમ તેણે ભાડે આપ્યો હતો. જેમાં જયશ્રી દિનેશ ભગત (ઉં.વ. 29) પતિને છોડી તેના 10 અને 06 વર્ષના બે પુત્રો સાથે બોયફ્રેન્ડ શુભમ સમાધાન મિસલ સાથે રહેતી હતી.
શુભમ વારંવાર મહારાષ્ટ્ર જતો હતો અને પંદર દિવસે એક વખત ઘરે આવતો હોઇ ખાલી પડેલા સમય દરમિયાન જયશ્રી સાથે દિલીપની આંખો મળી ગઇ હતી અને બંને સાથે રહેવા લાગ્યા હતા. દિલીપ સાથે લગ્નનું કહી તેણે બોયફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ કરી લીધું હતું. જયશ્રીએ જ આ મકાન વેચી અન્ય સ્થળે સાથે રહીશું તેવું કહેતાં આ યુવકે દોઢ કરોડનું મકાન 96.44 લાખમાં વેચી માર્યું હતું.
બાળકોને પ્રથમ પતિ પાસે મૂકવા મોકલી ઘર સાફ કરી ગઈ
23મી જાન્યુઆરીએ વેચેલા આ નાણાં ઘરમાં પડયા હતા. 31મીએ સાંજે પોતાના બંને બાળકોને તેના પિતા પાસે મૂકવા જવાનું કહી આ યુવતી દિલીપ સાથે ડભોલી બજરંગ નગર પહોંચી હતી. અહીં તેનો પૂર્વ પતિ દિનેશ નહિ મળતાં નજીકમાં ભરાતી શાક માર્કેટમાં લારી ઉપર હશે તેમ કહી બંને બાળકોને ત્યાં મોકલ્યા હતા અને ઉતાવળે પરત આવી હતી. તેના બોયફ્રેન્ડ શુભમને પણ ત્યાં બોલાવી લીધો હતો અને રોકડ ચોરી રફુચક્કર થઇ ગઇ હતી. આ યુવતી મુંબઇ હોવાનું લોકેશન મળતાં પોલીસની એક ટીમ ત્યાં રવાના કરાઇ હતી.


