- અમદાવાદ આરોગ્ય શાખાનું મોટું ઓપરેશન
- 600 ટન બટરનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો
- વધુ તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા
અમદાવાદ મનપાની આરોગ્ય શાખાએ એક મોટી કાર્યવાહી કરી છે. લગભગ 600 ટન બટરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. જેના સેમ્પલ કલેક્ટ કરીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
હાલના દિવસોમાં ગુજરાતમા અનેક જગ્યાએથી નકલી દૂધ, નકલી ઘી, નકલી તેલ, સડેલી મલાઈ, નકલી મસાલા, નકલી માવો અને શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતમાં ખાણીપીણીના મામલે ચાલતી મહામિલાવટના આ જીવતાજાગતા પુરાવા છે. આ બનાવોની તપાસ પોલીસ અને સંબંધિત વિભાગો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈ મોટી ધરપકડ થઈ હોય તેવી જાણકારી સામે આવી નથી. આ બધા ઘટનાક્રમની વચ્ચે વધુ એકવાર અમદાવાદમાંથી શંકાસ્પદ બટરનો 600 ટન જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે દરોડા પાડી અમદાવાદ મનપાની આરોગ્ય શાખાએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
જાણકારી પ્રમાણે આ જથ્થો દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પીપરજમાં સ્ટોર કરવામાં આવેલો હતો. જેમાં બટર અને ચીઝનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. આ જથ્થો અલગ અલગ રાજ્યોમાંથી અહીં પહોંચાડવામાં આવ્યો હતો અને અહીંથી તે ગુજરાતના દરેક ખૂણે મોકલવામાં આવનાર હતો, પરંતુ તે સ્ટોરેજમાંથી નીકળીને ક્યાંક જાય તેની પહેલા જ બાતમીના આધારે કાર્યવાહી કરી મનપાની આરોગ્ય શાખાએ આ જથ્થાને ઝડપી પાડ્યો છે.
આ જથ્થો હાલ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હતો, પરંતુ અહીંથી તેને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવનાર હતો, જો કે આ મામલે કશું થઈ શકે તેની પહેલા જ આરોગ્ય શાખાએ કાર્યવાહી કરી તેને ઝડપી લીધો છે. હવે આ બટરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે વધુ જાણકારી પરિણામો સામે આવ્યા પછી જ બહાર આવી શકે છે.