- SOG ટીમે ચોટીલા ગ્રામ્યમાંથી પકડી પાડયો
- બંદૂક જપ્ત કરી નાની મોલડી પોલીસમથકે ગુનો નોંધાયો
- અરજી મંજુર ન થાય તો લોકો ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા હોય છે
સુરેન્દ્રનગર એસઓજી ટીમને નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી. જેમાં પોલીસે રાજપરાના શખ્સને રૂ. 5,000ની કિંમતના ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર રાખવુ એ એક સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયુ છે. જિલ્લા વહીવટી તંત્રમાં હથિયારના પરવાનાની અરજી મંજુર ન થાય તો લોકો ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા હોય છે. જેના લીધે જિલ્લામાં અમુક વાર ખાનગી ફાયરિંગના બનાવો પણ બને છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાએ ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ જે.એચ.ભટ્ટની સુચનાથી સ્ટાફના અનીરૂધ્ધસીંહ, રવીરાજભાઈ, મુન્નાભાઈ સહિતનાઓ નાની મોલડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજપરા ગામના પરબત સાકરીયા નામના શખ્સ પાસે ગેરકાયદેસર બંદુક હોવાની તથા તે રાજપરાની સીમમાંથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રાજપરાની સીમમાં વોચ રાખી હતી. અને ખેતમજુરી કરતા 35 વર્ષીય પરબત ઉર્ફે ગટુ મનજીભાઈ સાકરીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 5,000ની કિંમતની દેશી હાથ બનાવટની મઝર લોડ બંદુક જપ્ત કરાઈ હતી. અને નાની મોલડી પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ બીટ જમાદાર ડી.કે.રબારી ચલાવી રહ્યા છે.