- ઔદ્યોગિક એકમો ITI સર્ટિફિકેટ હોલ્ડરને બદલે ડિપ્લોમા હોલ્ડર માગે છે
- નવા શૈક્ષણિક વર્ષમાં 10 હજાર વિદ્યાર્થીઓ C ટુ Dમાં જાય તેવા પ્રયાસો
- સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં 2504 વિદ્યાર્થીઓ જોડાયા
ગુજરાતમાં ઔદ્યોગિક એકમો આઈટીઆઈના અભ્યાસક્રમોમાંથી પાસ થઈ બહાર નીકળતા ઉમેદવારોને બદલે ડિપ્લોમા હોલ્ડરને નોકરી પર રાખવાની પસંદગી કરી રહ્યા છે. પરિણામે આઈટીઆઈના અભ્યાસક્રમો બાદ ‘સી’ ટુ ‘ડી’ યાને સર્ટિફિકેટ કોર્સ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં જવાનું વિદ્યાર્થીઓનું વલણ વધી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘સી’ ટુ ‘ડી’ના પ્રવેશમાં 152 ટકાનો જંગી વધારો થયો છે.
સૂત્રો આંકડા આપતાં કહે છે કે, 2019માં આઈટીઆઈનો બે વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કર્યા બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં 2504 વિદ્યાર્થીઓ જોડાયા હતા, આ પ્રમાણ વધતા વધતા 2023માં 6328 વિદ્યાર્થીઓ ‘સી’ ટુ ‘ડી’માં ગયા છે. આને કારણે હવે ઉદ્યોગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આઈટીઆઈના અભ્યાસક્રમ પછી વધુ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના સિવિલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, કમ્પ્યૂટર સાયન્સ, ઈલેક્ટ્રિકલ જેવા અભ્યાસક્રમોમાં જાય તે માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. વર્ષ 2024માં હવે ‘સી’ ટુ ‘ડી’ના પ્રવેશ માટે 10 હજાર વિદ્યાર્થીઓનો ટાર્ગેટ નક્કી થયો છે.