- ઉમેટા ચોકડી પાસેથી માવાના 20 કટ્ટા ઝડપાયા
- અખાદ્ય માવો વડોદરાથી મુંબઈ મોકલવાનો હતો
- ભેળસેળ યુક્ત દુધના માવાનો નાશ કરાયો
રાજ્યમાં નકલી ખોરાકનો જથ્થો મળવાનું યથાવત રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવે છે ત્યારે આણંદના આંકલાવ તાલુકાના ઉમેટા ચોકડી નજીક પસાર થતી એક ટેમ્પીમાંથી રૂપિયા 1.07 લાખ કિંમતના 519 કિલો ભેળસેળયુક્ત માવા નો જથ્થો એલ.સી.બી પોલીસે પકડ્યો છે. એટલું જ નહીં આ અખાદ્ય માવાનો જથ્થો વડોદરાથી ટ્રેન મારફતે મુબંઈ સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી હતી.
આ માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ માવો ખાવાલાયક ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે ખાડામાં દાટી આ માવાના જથ્થાનો નાશ કર્યો છે.આણંદ એલ.સી.બી પોલીસની ટીમે બે દિવસ અગાઉ આંકલાવ તાલુકાના ઉમેટા ચોકડી નજીકથી શંકાસ્પદ દૂધના માવાનો જથ્થો ભરેલી એક ટેમ્પી રોકી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં જ આ દૂધનો માવો ખાવાલાયક ન હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તમામ 20 કટ્ટામાંથી માવાના કુલ 80 સેમ્પલ વધુ પરીક્ષણ અર્થે લીધાં હતાં. જે બાદ પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 1.07 લાખ કિંમતનો આ 519 કિલો ભેળસેળયુક્ત માવો જમીનમાં દાટી દઈ, નાશ કરવામાં આવ્યો છે. પરીક્ષણ અર્થે આ ભેળસેળયુક્ત માવા ના લીધેલાં સેમ્પલનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી રિપોર્ટ આવ્યાં બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
આ બનાવટી અને ભેળસેળયુક્ત દૂધના માવાનો જથ્થા અંગે પોલીસ અને ખાદ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સામે આવ્યું છેકે, ટેમ્પોમાં ભરી લઈ જવાતો આ અખાદ્ય માવા નો જથ્થો વડોદરાથી ટ્રેન મારફતે મુંબઈ પહોંચાડવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેને લઈને રાજ્યોની બહાર ફેલાયેલા નેટવર્કની પણ તપાસ કરવામાં આવી રહી છે.