- નદીના પેટાળમાંથી દિવસ-રાત રેતી ચોરી કરી સરકારની તિજોરીને લગાવાતો ચૂનો
- રેતીના ઓવરલોડ ડમ્પરોથી રસ્તાને થતું નુકશાન
- જે ગ્રામજનોને દેખાય છે તે ભૂસ્તર તંત્રની નજરે નથી ચડતું
માણસા તાલુકાના અનોડિયા ગામ પાસે રેત માફિયા બેફામ રીતે રીતે ચોરી કરે છે. તંત્રનો જાણે કે કોઈ ડર જ ન હોય તે રીતે દિવસ-રાત અહીં રેતી ચોરી થાય છે. જેમાં નદીમાં નાવડી મૂકી પાઇપ લાઇન મારફતે ઊંડાણમાંથી રેતી ખેંચી રહ્યાં છે. બીજી તરફ રેતી ભરેલા ભારે ડમ્પરની અવરજવરને કારણે ગામના રસ્તા પણ તૂટી જાય છે. જેને પગલે ગ્રામજનોને ભારે પરેશાની ભોગવવી પડે છે. સમગ્ર બાબતે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ રેતી ચોરી બંધ થઈ નથી.
સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન તેમજ રેતી ચોરી કોઈ નવી વાત નથી. માણસા તાલુકાના અનોડીયામાં સાબરમતી નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનન થાય છે. જેમાં ધોળા દિવસે અને રાત્રે પણ સતત ખનન ચાલું હોય છે. તંત્રનો કોઈ ડર જ ન હોય તે રેતી માફીયાઓ નદીમાં નાવડી મૂકી પાઇપ લાઇનથી પાથરીને રેતી ખેંચી રહ્યાં છે. અનોડીયા પાસે નદીમાં બહુ ઊંડું ખનન થાય છે, સામેેની બાજુ સાબરકાંઠા તરફ્થી પણ મોટા પાયે ખનન થાય છે. ગેરકાયદે ખનનથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. રેતી ખનનને પગલે ગ્રામજનો પણ પરેશાન થઈ ગયા છે. કારણ કે ગેરકાયદે રેતી ભરીને જતા ભારે ડમ્પરોને કારણે ગામના રસ્તા તૂટી જાય છે. ચોમાસામાં તો પાણીથી ભરાયેલા આવા ખાડાવાળા રસ્તા પરથી પસાર થતા અકસ્માતનો ભય વધી જાય છે. જાગૃત ગ્રામજનો દ્વારા અનોડીયા ગામ પાસેની સાબરમતી નદીમાં રેતી ચોરી કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરેલી છે. આ છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો અંત આવ્યો નથી, ત્યારે ભૂસ્તર તંત્ર આંખના પાટા ખોલીને રેત માફ્યિાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે.