- એલસીબી ટીમે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો
- તમંચો, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
- ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા શખ્સોને ઝડપી લેવા કડક સુચના
સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીને આધારે શહેરની હેડ પોસ્ટ ઓફીસ પાછળના વિસ્તારમાં વોચ રાખી હતી. જેમાં એક શખ્સ ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપાયો હતો. તમંચો, મોબાઈલ અને એકટીવા સહિત રૂ. 20 હજારના મુદ્દામાલ સાથે આ શખ્સને પકડી પાડી એ ડીવીઝન પોલીસના હવાલે કરાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા શખ્સોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાએ કડક સુચના આપી છે. આ દરમીયાન એલસીબી ટીમના એસ.વી.દાફડા, સાહીલભાઈ સહિતનાઓને સુરેન્દ્રનગરના મીયાણાવાડ શેરી નં. 2માં રહેતા સુલેમાન માલાણી પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે શહેરની હેડ પોસ્ટ ઓફીસ પાછળ વોચ રાખી હતી. જેમાં એકટીવા સ્કુટર લઈને 45 વર્ષીય સુલેમાન ઉર્ફે કાળુ લખુભાઈ માલાણી નીકળતા તેને ઉભો રાખી તપાસ કરાઈ હતી. જેમાં તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટવાળો તમંચો મળી આવ્યો હતો. આથી રૂપીયા 5 હજારનો તમંચો, રૂપિયા 5 હજારનો મોબાઈલ અને રૂપિયા 10 હજારના એકટીવા સ્કુટર સહિત કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અને ઝડપાયેલ આરોપી સામે એ ડીવીઝન પોલીસ મથકે હથિયાર ધારાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલ શખ્સ સુલેમાન માલાણી આ હથીયાર કયારે અને કોની પાસેથી લાવ્યો? તે સહિતની વધુ તપાસ સલીમભાઈ ઘોરી ચલાવી રહ્યા છે.