- 80 ફૂટ રોડ પર રહેતી મહિલા પુત્ર સાથે બોલાચાલી થતા કેનાલમાં પડી હતી
- રાત્રિ પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાને મહિલાને બચાવવા જાનની બાજી લગાવી
- પોલીસ કર્મીએ કરેલ માનવતાભરી કામગીરી ખરેખર અન્ય કર્મીઓ માટે પ્રેરણાદાયક
સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર રહેતી મહિલાને પુત્ર સાથે બોલાચાલી થતા તેઓ શનિવારે મોડી રાત્રે કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. આ સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાને પળવારનો વિચાર કર્યા વગર જાનની બાજી લગાવીને કેનાલમાં ઝંપલાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. પોતાના જન્મ દિવસે જ પોલીસ કર્મીએ કરેલ માનવતાભરી કામગીરી ખરેખર અન્ય કર્મીઓ માટે પ્રેરણાદાયક છે.
સુરેન્દ્રનગરની કેનાલમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે શનિવારે મોડી રાત્રે કેનાલમાં પડેલી મહિલાનો પોલીસ કર્મીએ જીવ બચાવી લીધો છે. મળતી માહીતી મુજબ શહેરના 80 ફુટ રોડ પર રહેતા પરિવારની એક મહિલાનો પુત્ર ધો. 12માં અભ્યાસ કરે છે. શનિવારે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી મહિલાએ પ્રથમ તો પોતાની દવાની વધુ પડતી ટેબલેટ ખાઈ લીધી હતી. ત્યારબાદ રિક્ષા કરીને શનિવારે રાત્રે 2-30 કલાકે દુધરેજ કેનાલમાં ઝંપલાવવા પહોંચી હતી. રિક્ષાવાળો મહિલાને કેનાલને ઉતારી આગળ આવતી ચાની હોટલે ચા પીવા ગયો હતો. અને એક મહિલા કેનાલમાં પડવા ગઈ તેમ વાત કરી હતી. આથી હોટલ માલિક અને અન્ય એક યુવાન તુરંત કેનાલમાં પહોંચ્યા હતા. જયાં કેનાલની પાળ ઉપર મહિલાના ચપ્પલ અને મોબાઈલ નજરે પડયા હતા. પરંતુ બન્નેમાંથી કોઈને તરતા ન આવતા બન્ને બહાર ઉભા રહીને મદદ માટે બુમરાડ કરતા હતા. આ સમયે રાત્રિ પેટ્રોલિંગમાં ફરી રહેલા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ નાગરભાઈ દલવાડી અને રવીરાજસીંહ કેનાલ પહોંચ્યા હતા અને મહિલા કેનાલમાં પડી હોવાની જાણ થતા જ નાગરભાઈએ તુરંત કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. તેમજ મહિલાને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. મહિલાની પુછપરછ કરી તેના પરિવારજનોને બોલાવી પરત સોંપાઈ હતી. પરિવારજનોએ આ બાબતે કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો અને પોલીસનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 28મીને શનિવારે ASI નાગરભાઈનો 50મો જન્મ દિવસ હતો અને જન્મદિવસે તેઓએ મહિલાનો જીવ બચાવીને જન્મ દિવસને યાદગાર બનાવી માનવતાભર્યુ કાર્ય કર્યુ છે.