- ખંડપીઠના મહિલા જસ્ટિસ સાથે વેરાના કેસમાં જાહેર મતભેદનો વિવાદ
- જે બન્યું તે થવું ન જોઈએ, દિલગીર છું, હવે એક નવું પ્રકરણ શરૂ કરીશું’
- ઓપન કોર્ટમાં વકીલો અને કોર્ટ સ્ટાફ્ની હાજરીમાં દિલગીરી વ્યક્ત કરી
ગુજરાત હાઇકોર્ટમાં સોમવારના રોજ એક કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠમાં બેઠેલા મહિલા સાથી જસ્ટિસ સાથે ઉગ્ર વાદવિવાદના મુદ્દે સિનિયર જસ્ટિસે આજે ઓપન કોર્ટમાં વકીલો અને કોર્ટ સ્ટાફ્ની હાજરીમાં દિલગીરી વ્યક્ત કરી હતી.
આજે સવારે જેવી કોર્ટ કાર્યવાહી શરૂ થઇ કે, જસ્ટિસે ઓપન કોર્ટમાં વકીલો, કોર્ટ સ્ટાફ્ બધાની હાજરીમાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો હું એ કહેવા માંગું છે કે, સોમવારે જે થયુ તે ન થવુ જોઇએ. હું ખોટો હતો અને હું તેના માટે દિલગીર છું. અમે એક નવુ પ્રકરણ શરૂ કરીએ છીએ હવે. તે ન થવુ જોઇએ. બસ એટલું જ…મને ખબર નથી….હું ખોટો હતો.
ઉલ્લેખનીય છે કે, સોમવારે એક કેસની સુનાવણી દરમ્યાન ઓર્ડર બાબતે અલગ મતભેદ સર્જાતાં જસ્ટિસે આવેશમાં આવીને મહિલા સાથી જજને કહ્યું હતું કે, તો પછી તમારો મત અલગ છે ..આપણે એક બેન્ચમાં અલગ છીએ. તમે અહીં પણ અલગ છો. જેથી મહિલા જસ્ટિસે જણાવ્યું કે, અહીં અલગનો કોઇ પ્રશ્ન જ નથી. જસ્ટિસ વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે, તો પછી બબડો નહીં, પછી તમે તમારા મત મુજબનો અલગ ઓર્ડર પાસ કરો. હવે અમે વધુ કોઇ કેસ લઇ રહ્યા નથી. આમ કહી જસ્ટિસ બીરેન વૈષ્ણવ ઉભા થઇ ગયા હતા.