- મેરીલેન્ડના ગવર્નર વોશિંગ્ટનના પરા વિસ્તારના રામમંદિરના ઉત્સવમાં લેશે
- ભગવાન રામના લાખો અનુયાયીઓનું સપનું સાકાર થયું : વિહિપ
- રામમંદિર ઉત્સવને મુદ્દે અમેરિકાના લોકોમાં પણ ઉત્સાહ છે
અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. દેશભરની મોટી મોટી હસ્તીઓને કાર્યક્રમમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે. રામમંદિર ઉત્સવને મુદ્દે અમેરિકાના લોકોમાં પણ ઉત્સાહ છે. અમેરિકામાં આવેલા મંદિરો આગામી સપ્તાહે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય મૂળના લાખો અમેરિકી નાગરિકો ઉત્સવમાં સામેલ થશે.
અમેરિકામાં આવેલા હિંદુ વિશ્વ વિદ્યાલયના અધ્યક્ષ કલ્યાણ વિશ્વનાથને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અયોધ્યા ઉપેક્ષા અને વિનાશમાંથી બેઠું થઈ રહ્યું છે. રામમંદિર સનાતન અને શાસ્વત પ્રકૃતિનું પ્રતીક છે. 550 વર્ષ પછી રામલલા મંદિરમાં બિરાજમાન થશે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે.
અમેરિકાના મંદિરોમાં ઉત્સાહ : મિત્તલ
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે વોશિંગ્ટન ડીસીના ઉપનરગમાં આવેલા રામમંદિર ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અમેરિકામાં યોજાનારા રાષ્ટ્રવ્યાપી ઉત્સવોનું નેતૃત્વ કરી રહેલા સંગઠન વિશ્વ હિંદુ પરિષદ ઓફ અમેરિકાના અમિતાભ મિત્તલ કહે છે કે ભગવાન શ્રીરામના લાખો અનુયાયીઓનુ લાંબા સમયનું સપનું સાકાર થશે. અમેરિકામાં લગભગ 1,000 મંદિર છે. લગભગ તમામ મંદિર આ ઐતિહાસિક ઉત્સવ મનાવી રહ્યા છે.
લાંબા સમયે અયોધ્યામાં રામમંદિર : કપિલ
ટેક્સાસમાં શ્રી સીતારામ ફાઉન્ડેશનના કપિલ શર્માએ કહ્યું કે લાંબી પ્રતીક્ષાને અંતે અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વભરના હિંદુ માટે આ આસ્થા અને ઉત્સવનો મહત્ત્વનો દિવસ છે. હ્યુસ્ટનના મંદિરોમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ મુદ્દે ઉત્સાહનો માહોલ છે. સમારંભના દિવસે મંદિરોમાં સુંદરકાંડનં આયોજન થશે. ગાયન, સંગીત અને સાંસ્કૃતિક આયોજન થશે. મંદિરોમાં હવન અને ભગવાન રામનો પટ્ટાભિષેક થશે. ભગવાન રામની શોભાયાત્રા પણ નીકળશે. અયોધ્યા ધામનો પ્રસાદ અને રજનું વિતરણ કરવું તે પણ સન્માનની વાત છે.


