- સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત છતાંય પ્રત્યુત્તર નહીં મળતા ખેલાડીઓ રોષે ભરાયા
- ખેલાડીઓએ ફરિયાદ કર્યા બાદ ઢોર પીવે એવું ટેન્કરનું પાણી પીવડાવ્યું હતું
- 44 ખેલાડીઓ જિલ્લા કલેકટર કચેરીમાં પ્રતિક ઉપવાસ ઉપર બેસી ન્યાયની માંગ
તરણેતરના મેળામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ જ્યાં વીંછીયાના ખેલાડીઓએ પણ એથ્લેટીક્સમાં ભાગ લીધા બાદ પ્રથમ દિવસે જ પાણીની વ્યવસ્થા નહીં કરાતા ફરિયાદ કરી હતી. જે બાબતનું ધ્યાન રાખી બીજા દિવસે વીંછીયાની ટીમને બાકાત કરી દીધી હતી. આ બાબતની સુરેન્દ્રનગર કલેકટરને લેખિતમાં રજૂઆત કર્યા બાદ પણ ન્યાય નહીં મળતા 44 ખેલાડીઓ જિલ્લા કલેકટર કચેરીમાં પ્રતિક ઉપવાસ ઉપર બેસી ન્યાયની માંગ કરી રહયા છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર તરણેતરમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રમતગમતની સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. અહી એથ્લેટીકસમાં રાજકોટ જિલ્લાના વીંછીયાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે પીવાના પાણીની ખેલાડીઓ માટે વ્યવસ્થા ન હોવાથી ખેલાડીઓએ ફરિયાદ કર્યા બાદ ઢોર પીવે એવા ટેન્કરના પાણીની વ્યવસ્થા કરી હતી. પરંતુ બીજા દિવસે પાણીની ફરિયાદ કરી હોવાથી વીંછીયાની આખી ટીમને રમતમાંથી બાકાત જ કરી દીધી હતી. આ ગંભીર બાબતની ઉમિયા વિદ્યામંદિર રૂપાવટીના પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટને લેખીતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી. પરંતુ આજદિન સુધીમાં કોઇ પ્રત્યુતર સુધ્ધાં નહીં મળતા વીંછીયાથી બસ ભાડી કરી 44 ખેલાડીઓ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આવી પ્રતિક ઉપવાસ ઉપર બેસી ન્યાયની માંગણી કરી જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે આ મામલે સરકાર કેવી કાર્યવાહી કરે છે? એની સામે ખેલાડીઓની નજર મંડાયેલી છે.
પીવાના પાણીની વ્યવસ્થા જ ન હતી
ખેલાડીઓએ જણાવેલકે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા ન હોઇ ફરીયાદ કરતા ઢોર પીવે એવુ ટેન્કર પાણી પીવા મુકી દીધુ હતુ જ્યારે બીજા દિવસે અમારી સાથે ફરીયાદ કર્યાનું મનદુખ રાખી વીછીયાની ટીમને જ બાકાત કરી દીધી હતી.
સમગ્ર મામલે સચિવને અહેવાલ મોકલી દેવાયો છે
સુરેન્દ્રનગર અધિક જિલ્લા કલેકટર એમ.પી.પટેલે જણાવેલકે તરણેતરના મેળાની આ બાબતનો સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચીવને અહેવાલ મોકલી દેવાયો છે.
તંત્રએ કાંઇ સાંભળ્યુ જ નહીં હોવાનો આક્ષેપ
વીંછીયાના ભુપતભાઇ કેરાલીયા,સુરેશભાઇ કાલીયા અને નનકુભાઇ દેવરાએ જણાવેલકે માત્ર પાણીની ફરીયાદ કરી તંત્રની પોલ ખુલ્લી પાડતા આખી ટીમ બાકાત કરી દીધી હતી આ બાબતની મેળામાં અધિકારીઓને અને સુરેન્દ્રનગર કલેકટરને લેખીત રજૂઆત પણ કરી પણ ન્યાય નથી મળતો જો ન્યાય નહી મળે તો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશું.