- રૂપાબેન રાઠોડ ડુમ્મસના હળપતિ વાસમાં રહે છે
- પ્રસુતિનો સમય નજીક આવતા પીડા શરૂ થઈ હતી
- ડુમ્મસથી મહિલાને ઇકો કારમાં હોસ્પિટલ ખાતે લઈ જતા હતા
રાજ્યમાં 108 ની ટીમ દ્વારા સતત લોકોની મદદ માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં એક સગર્ભાની પ્રસુતિ રસ્તા વચ્ચે 108 ની ટીમે કરાવવાની નોબત આવી હતી. ત્યારે સુરત એરપોર્ટના ગેટ સામે જ મહિલાની પ્રસુતિ જાહેર રસ્તા પર જ કરાવવામાં આવી હતી.
સુરતમાં રસ્તા વચ્ચે મહિલાઓએ સાડી અને ચાદરની આડશ બનાવીને ડિલિવરી કરાવી હતી. જેથી માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. સુરત હવાઇ મથક સામે એક સગર્ભાની પ્રસુતિ જાહેરમાં કરાવાઈ હતી. રૂપાબેન રાઠોડ ડુમ્મસના હળપતિ વાસમાં રહે છે. તેમને 9 મહિનાનો ગર્ભ હતો. પ્રસુતિનો સમય નજીક આવતા પીડા શરૂ થઈ હતી. ડુમ્મસથી મહિલાને ઇકો કારમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમ્યાન વધુ પીડા થતા 108ને જાણ કરવામાં આવી હતી.
જે પછી 108 માં હાજર ડૉક્ટરે ચેક કરતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને 108માં મૂકવાનો પણ સમય ન હોવાથી જાહેર રસ્તા પર જ તેની પ્રસુતિ કરાવાઈ હતી. પ્રસુતિ બાદ મહિલાને બાળક સ્વસ્થ હતા માટે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી.
છેલ્લા ઘણાં સમયથી 108 ઈમરજન્સીને સતત કોલ મળી રહ્યા છે. જેમાં અલગ અલગ સેવાઓ માટે ઈમરજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. નવરાત્રીમાં 108 ની ઈમરજન્સી સેવાઓને સૌથી વધુ કોલ મળ્યા હતા. જેમાં રાત્રીના સમયમાં રાજ્યભરમાં દરરોજના 100 થી વધુ કોલ મળ્યા હતા અને જેમાં ઘણાં કેસોમાં લોકોનો જીવ બચાવવામાં સફળથા પણ મળી હતી.