- નવા વર્ષની શરૂઆતમાં જમ્મુ કાશ્મીર ઠંડુગાર
- દાલ લેક પર બરફથી પથરાઇ ચાદર
- શ્રીનગરમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન
જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડુગાર બન્યુ છે. અહીંની ઘણી જગ્યાએ તો લઘુત્તમ તાપમાન માઇનસમાં પહોંચ્યુ છે. શીતલહેરોને કારણે શ્રીનગરમાં ગઇકાલે રાત્રે માઇનસ પાંચ ડ્રિગી સેલ્શિયસ નોંધાયું હતું.
દાલ લેક પર બરફની પરત
તાપમાનમાં આટલા મોટા ઘટાડા પછી શ્રીનગરમાં બરફની પાતળી ચાદર બની ગઈ. દાલ સરોવરના ઉપરના સ્તર પર બરફની પાતળી ચાદર બનેલી જોવા મળી હતી. કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી અને હવામાન શુષ્ક રહ્યું છે, પરંતુ અત્યંત નીચા તાપમાનને કારણે બરફનું પાતળું પડ બની ગયું છે. ખીણના ઉપરના વિસ્તારોમાં ડિસેમ્બરના અંત સુધી સામાન્ય કરતાં ઓછી હિમવર્ષા નોંધાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છ આકાશને કારણે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
શ્રીનગરમાં માઇનસ 5 ડ્રિગી
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે તે માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ હતું. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આગલી રાત્રે તે માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.6, કોકરનાગ શહેરમાં માઈનસ 1.7 અને કુપવાડામાં માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ હતું. 40 દિવસનો તીવ્ર શિયાળાનો સમયગાળો છે. તાપમાન અત્યંત નીચું જાય છે જેના કારણે પ્રખ્યાત દાલ સરોવર સહિતના જળાશયો થીજી જાય છે. ખીણના ઘણા ભાગો આ સ્થિતિનો સામનો કરે છે. આ સમયગાળા દરમિયાન હિમવર્ષાની સંભાવના સૌથી વધુ છે અને ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થાય છે.


