ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે કોંગ્રેસ પક્ષની વિચારધારાના પ્રચાર અને પ્રસાર માટે સૌરાષ્ટ્રઝોનની એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ પણ આગામી લોકસભાની ચૂંટણીમાં મજબૂતાઈ સાથે લડી લેવાના મૂડમાં વર્તાઈ રહ્યો છે. આ માટે કોંગ્રેસ પક્ષના યુવા પાંખના કાર્યકર્તાઓ જાણે મેદાને પડ્યા હોય તેમ જુદી જુદી કક્ષાએ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં વેરાવળ ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે મહત્વપૂર્ણ એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ અભય જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ, પૂર્વ પ્રમુખ મનસુખ ગોહેલ, હીરાભાઈ રામ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ લોકસભા સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના જવાબદાર હોદ્દેદારો ઉપરાંત મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય તાલીમ શિબિર નો શુભારંભ રાષ્ટ્રધ્વજની વંદના અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો. શિબિરમાં કોંગ્રેસની વિચારધારાના પ્રચાર પ્રસાર તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં સતાધારી ભાજપના પ્રજા વિરોધી વલણને છેવાડાના લોકો સુધી પહોંચાડવા મજબૂત રીતે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે માર્ગદર્શન આપી આહવાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો ભવ્ય ઇતિહાસ અને વિચારધારાનું પ્રશિક્ષણ આપવાની સાથે લોકસભા ચૂંટણી માટેનો એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો. આ શિબિર સફળ બનાવવા માટે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ રાકેશ ચુડાસમા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.


