તુર્કમેનિસ્તાનમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે જોડાયેલી એક ઘટનાએ કૂટનીતિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રવાસ દરમિયાન શહબાઝ શરીફને પહેલે તો આશરે 40 મિનિટ સુધી રાહ જોવી પડી, ત્યારબાદ તેમની હાજરીને લઈને એક વધુ અસહજ સ્થિતિ ઊભી થઈ.
શહબાજ શરીફની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફજેતી થઇ
પાકિસ્તાનના PM શહબાજ શરીફને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફજેતી થઇ રહી છે, વાત જાણે એમકે PM શહબાજ શરીફ ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ ટ્રસ્ટમાં ભાગ લેવા તુર્કમેનિસ્તાન ગયા હતા. જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરવા માટે 40 મિનિટ સુધી રાહ જોવડાવી હતી. 40 મિનિટની રાહ જોયા પછી જ્યારે મુલાકાતનો સમય આવ્યો ત્યારે પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનની વચ્ચે બેઠક ચાલુ હતી એ દરમિયાન અધીરા બનેલા શહબાજ શરીફ વચ્ચે ઘુસી ગયા હતા.
શહબાઝ શરીફ કથિત રીતે કોઈ ઔપચારિક આમંત્રણ વિના બેઠક કક્ષમાં પ્રવેશ કરતા નજરે પડ્યા
કહેવાય છે કે કાર્યક્રમ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તાયિપ એર્દોઆન વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક ચાલી રહી હતી. એ દરમિયાન શહબાઝ શરીફ કથિત રીતે કોઈ ઔપચારિક આમંત્રણ વિના બેઠક કક્ષમાં પ્રવેશ કરતા નજરે પડ્યા. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો વાયરલ થઈ ગઈ, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રવેશ અચાનક અને અનિચ્છિત હતો.
પાકિસ્તાનની કૂટનીતિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ પર પ્રશ્નચિહ્ન
કુટનીતિક શિષ્ટાચારના દૃષ્ટિકોણથી આ સ્થિતિ પાકિસ્તાન માટે અસહજ અને શરમજનક માનવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મંચો પર આવા કાર્યક્રમોમાં નેતાઓની મુલાકાતો સામાન્ય રીતે અગાઉથી નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ જ થાય છે. આવા સંજોગોમાં, નક્કી કાર્યક્રમ વિના ઉચ્ચસ્તરીય બેઠકમાં પહોંચવું અનેક પ્રશ્નો ઉભા કરે છે.
જો કે પાકિસ્તાન તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. સમર્થકોનું કહેવું છે કે આ એક સામાન્ય મુલાકાત હતી અને તેને બિનજરૂરી રીતે વધારીને રજૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આલોચકોનું માનવું છે કે આ ઘટના પાકિસ્તાનની કૂટનીતિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક મંચ પર રાજનૈતિક પ્રોટોકોલ અને સમય વ્યવસ્થાપન કેટલા મહત્વપૂર્ણ છે. તુર્કમેનિસ્તાનમાં બનેલી આ ઘટના અંગે ચર્ચાઓ હજી પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં સત્તાવાર સ્પષ્ટતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


