- કહ્યું, તેને તેના કર્મોની સજા મળશે, તું શું કામ કેસ લાંબો ખેંચે છે ?
- તપાસ કરવાના બદલે પીડિતાને સમજાવી રહ્યા હોવાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ
- ઓડિયો ક્લિપ વાઇરલ થતાં જ મહિલા એસીપી હિમાલા જોષી રજા પર ઊતરી ગયા
વિવાદો સાથે સંકળાયેલી કેડિલા ગ્રૂપના સીએમડી રાજીવ મોદીએ ભૂતપૂર્વ ફલાઇટ એટેન્ડન્ટ બલ્ગેરિયન યુવતી પર સેકસ્યૂલ એસોલ્ટ તેમજ તેની પર દુષ્કર્મના મામલામાં પીડિતા અને એક મહિલા એસીપીની કથિત ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસબેડામાં હલચલ મચી ગઈ છે. આ ઘટના અંગે પીડિતા મહિલા પોલીસ સ્ટેશનમાં કેડિલા ગૃપના CMD સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ મહિલા એસીપી હિમાલા જોષીએ ત્યારે ફરિયાદ નોંધીને તપાસ કરવાને બદલે રાજીવ મોદીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હોવાની કથિત ઓડિયો કિલપ વાઇરલ થઇ છે. કથિત ઓડિયો ક્લિપમાં મહિલા એસીપી પીડિતાને એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, રાજીવ મોદીને તેના કર્મોની સજા મળશે, તું શું કામ કેસને લાંબો ખેંચે છે. આ કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ આ બાદ એસીપી ફોન સ્વીચ ઓફ કરીને રજા પર ઉતરી ગયા હતા. આ અંગે વીડિયો ક્લિપ મામલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી-ડીસીપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડયો ન હતો.
કેડીલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મ, સેકસ્યૂઅલ એસોલ્ટ અને હ્યુમન ટ્રાફિંકીંગ હેઠળ ફરિયાદ નોંધવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જોકે, બલ્ગેરિયન યુવતી હાઇકોર્ટ જતા પહેલા IIM રોડ પર આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા એસીપી હિમાલા જોષીનો સંપર્ક કર્યો હતો. એ સમયે પીડિતા અને એસીપી હિમાલા જોષી વચ્ચે થયેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં મહિલા એસીપી બલ્ગેરિયન યુવતીને એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, રાજીવ મોદીને તેના કર્મોની સજા મળશે તું શું કામ આ કેસને લાંબો ખેંચે છે. આ વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં એસીપી હિમાલા જોષી તાત્કાલિક ફોન સ્વીચ ઓફ કરીને રજા પર ઉતરી ગયા હતા. એટલું જ નહીં, લાંબા સમયથી મહિલા ક્રાઇમ તેમજ મહિલા પોલીસ સ્ટેશનની કામગીરીઓ પણ સવાલો ઉભા થયા છે, પરંતુ ઉપરી અધિકારીના આશીર્વાદ હોવાથી કોઇ પગલાં લેવામાં આવતા નથી. મહત્વનું છે કે, અગાઉ પણ એક પ્રતિષ્ઠીત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. આ કેસની તપાસ પણ આ જ મહિલા એસીપીને સોંપાઇ હતી, પરંતુ મહિલા એસીપીને બિલ્ડર આરોપી સુધી પહોંચવામાં હાથ ટૂંકા પડયા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.
પીડિતા અને મહિલા એસીપી વચ્ચે આ વાતચીત થયાનો દાવો
પીડિતાના વકીલે આપેલી ઓડિયો કિલપ મુજબ , બલ્ગેરિયન યુવતી અને મહિલા એસીપી હિમાલા જોષી વચ્ચેની પોલીસ સ્ટેશનમાં વાતચીત થઇ હતી. જેની આ ઓડિયો કિલપનું સારાંશ નીચે મુજબ છે.
મહિલા એસીપી – ફકત એટલા માટે કે તમે આ વાતને આગળ વધારવા માંગતા નથી. કેમ કે, તે ખરાબ માણસ છે આપણે બધા તે જાણીએ છીએ તે પણ આ વાતને જાણે છે. મને લાગે છે કે તેને પણ ખબર છે કે તેને કોઇ પ્રોબ્લેમ છે. તેની સાથે કંઇક ખોટુ થઈ રહ્યું છે, એ દરેક જાણે છે. તો પછી તમે તમારા જીવનમાં બીજાની ભૂલોને કેમ જીરવી રહ્યા છો સાચું ? તેનો કોઇ મતલબ છે ? તેનાથી મને કોઇ ફરક પડવાનો નથી.
પીડિતા – ના
મહિલા એસીપી – તો પછી આપણા આપણે માથે શું કામ લેવું જોઇએ ? દરેકને પોતાના કર્મો ભોગવવાં પડે છે. તેમણે જે કંઇ કર્યું છે તેનું તેમને તેમના જીવનના કોઇપણ તબક્કે ભોગવવું પડશે.


