- સરકારી વસાહતના બ્લોક 1ના 13મા માળેથી બુધવારે બપોરે અગમ્ય કારણોસર પડતું મૂકયું
- માતાપિતાનું અવસાન થતાં મહિલા ઘરે એકલા જ રહેતા હતા
- મૃતક મહિલાની દેખરેખ પણ તેમની બહેન વંદિતાબેન રાખતા હતા
સેટેલાઇટમાં રહેતા એક 47 વર્ષીય મહિલાએ વસ્ત્રાપુરમાં સરકારી વસાહતના બ્લોક 1ના 13મા માળેથી બુધવારે બપોરે અગમ્ય કારણોસર પડતું મૂકીને આપઘાત કર્યો છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતક મહિલાએ આપઘાત કેમ કર્યો તે જાણવા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
સેટેલાઇટ વિસ્તારમાં શરણમ્ ફ્લેટમાં 47 વર્ષીય અમિષાબેન શિરિષભાઇ ફડિયાએ બુધવારે સવારે ટુવ્હીલર લઇને ગુરુકુલ ખાતે તેમના બહેન વંદિતાબેનના ઘરે ગયા હતા. થોડી વાર ત્યાં રોકાયા બાદ અમિષાબેને પોતાની બહેને જણાવ્યું હતું કે, હું ટૂ-વ્હીલર કરાવવા માટે જઇને આવું છું. બાદમાં અમિષાબેને વસ્ત્રાપુરમાં આવેલ સરકારી વસાહતના છ બ્લોકના 13માં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાતને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. મૃતક મહિલાએ લગ્ન કર્યા ન હતા અને તેઓ તેમના માતાપિતા સાથે રહેતા હતા. બાદમાં મૃતકના માતાપિતાનું અવસાન થતાં મહિલા ઘરે એકલા જ રહેતા હતા. આ મૃતક મહિલાની દેખરેખ પણ તેમની બહેન વંદિતાબેન રાખતા હતા.


