- વિધર્મી નવરાત્રિ માણવા ન પ્રવેશે તે માટે કાર્ડ ચેક કર્યા હોવા મુદ્દે હોબાળો
- પહેલા YMCAમાં પછી બોડકદેવના એસ.કે. ફાર્મમાં બજરંગદળનો હોબાળો
- કેટલાક કાર્યકરોએ આયોજકોની સાથે જ ઊભા રહી આધાર કાર્ડ ચકાસ્યા
છેલ્લા કેટલાક વખતથી બનતું આવ્યું છે તેમ આ નવરાત્રિમાં પણ બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોએ જુદા જુદા પાર્ટી પ્લોટ અને ક્લબમાં વિધર્મીને ગરબા રમતા અટકાવવાના પ્રયાસો કર્યા હતા. કેટલાક કાર્યકરોએ આવા પાર્ટી પ્લોટના ગેટ પર આયોજકોની સાથે જ ઊભા રહી પ્રવેશનારાના આધાર કાર્ડ ચકાસ્યા હતા. કહેવાય છે કે, જે હિન્દુ હતા તેમને કપાળે તિલક કરીને અંદર જવા દેવાયા હતા. આ મામલે હોબાળો થતાં બોડકદેવના એસ.કે. ફાર્મમાં પોલીસ દોડી ગઈ હતી. અહીં 15 કાર્યકરોની અટકાયત કરી ત્યાંથી લઈ ગયા હતા. આ સિવાય કોઈ ગુનો નોંધવામાં આવ્યો નહોતો. એમ પણ કહેવાય છે કે, બોડકદેવ પોલીસ આ કાર્યકરોની સામે કાર્યવાહી નહીં કરવાના ભારે દબાણ હેઠળ હોવાથી માત્ર અટકાયત કરી સંતોષ માન્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ એસજી હાઈવે પરની વાયએમસીએ ક્લબમાં પણ આ જ પ્રકારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ ઓળખપત્ર ચકાસ્યા હતા, તિલક કર્યાં હતા અને નારા લગાવ્યા હતા. પરંતુ ત્યાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.