- દેશમાં દર 3 મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ, દર છ મિનિટે એક મોત
- હોસ્પિટલમાં 8 માસમાં બ્રેસ્ટ કેન્સરના 13 પુરુષ, 950 મહિલા દર્દી નોંધાયા
- કેન્સરના આ રોગમાં અંદાજે 50 ટકા જેટલો મૃત્યુ દર જોવા મળે છે
દર વર્ષે 13મી ઓક્ટોબરે બ્રેસ્ટ કેન્સર ડે મનાવાય છે. અમદાવાદ સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં કેન્સરના દર 100 કેસમાંથી અંદાજે 20 જેટલા એટલે કે 20 ટકા દર્દી બ્રેસ્ટ (સ્તન) કેન્સરના હોય છે. સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ)માં કોરોનાના વર્ષ 2020માં બ્રેસ્ટ કેન્સરના કુલ 957 કેસ આવ્યા હતા, એ પછી વર્ષ 2022માં 1466 અને વર્ષ 2023માં ઓગસ્ટ સુધીમાં 963 કેસ નોંધાયા છે. કોરોનાકાળમાં બહારગામના દર્દીઓની સંખ્યા ઓછી હોવાથી આંકડો ઓછો હોવાનો પણ એક મત છે. વર્ષ 2023ના આઠ મહિનામાં પુરુષોમાં 13 અને મહિલા દર્દીમાં 950 એમ કુલ 963 બ્રેસ્ટ કેન્સરના કેસ નોંધાયા છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર ત્રણ મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે જ્યારે દર છ મિનિટે એક દર્દીનું મોત થાય છે. કેન્સરના આ રોગમાં અંદાજે 50 ટકા જેટલો મૃત્યુ દર જોવા મળે છે.
અમદાવાદની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયાએ જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબરથી બ્રેસ્ટ કેન્સર માટે અવેરનેસ શરૂ કરી છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે. એકંદરે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમો યોજાતાં હોય છે, જેમાં દર રવિવારે સંજીવની રથ- મેમોગ્રાફી વાન સાથે જ્યાં ડિમાન્ડ હોય ત્યાં કાર્યક્રમ યોજીએ છીએ. ધીમી ગતિએ બ્રેસ્ટ કેન્સરના વધી રહેલા કેસ ચિંતાનું કારણ છે. તબીબોનું કહેવું છે કે, 40 વર્ષની વય પછી દરેક મહિલાએ મેમોગ્રાફી-સોનોગ્રાફી કરાવવી જોઈએ. માની લો કે, પરિવારમાં માતા કે માસીને આ પ્રકારનો કેન્સર હોય તો 30 વર્ષ પછી દર વર્ષે ટેસ્ટ કરાવવો હિતાવહ છે. શહેરી વિસ્તારોમાં બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશયના મુખનું કેન્સર વધુ જોવા મળે છે. મહિલા સ્તન કેન્સરની તપાસ જાતે કરી શકે તે માટે વીડિયો મારફત સતત તાલીમના કાર્યક્રમો થતાં હોય છે, જેમાં મહિલાને પીરિયડના પાંચમા દિવસે સ્તનની તપાસ જાતે કરવી જોઈએ, સ્તન આસપાસ ગાંઠ હોય, ચામડી ખરબચડી થાય, બગલના ભાગે ગાંઠ જેવું હોય, ચાંદા પડયા હોય તેવા સંજોગોમાં ખાસ તકેદારી રાખવી જોઈએ, આવા ચિહન હોય તો કેન્સર જ છે એવું માની લેવાની જરૂરી નથી પણ તબીબનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
મોડા લગ્ન, સ્તનપાન ન કરાવવું, દારૂનું સેવન જેવા કારણો જવાબદાર
બ્રેસ્ટ કેન્સર થવા પાછળ મોડા લગ્ન થવા, મહિલા નવજાતને સ્તનપાન ન કરાવે, કસરતનો અભાવ, બેઠાડું જીવન, મેદસ્વીતા જેવા કારણો પણ જવાબદાર છે. કેટલીક મહિલાઓમાં સ્મોકિંગ, દારૂનું સેવન કરતી હોય છે, જે જોખમી છે. બ્રેસ્ટ કેન્સરના જે કેસ સામે આવ્યા છે તેમાં 20 ટકા કેસ વારસાગત હતા.
50 ટકા કેસ 50 વર્ષથી ઓછી વયની મહિલાઓમાં
આજથી 25 વર્ષ પહેલાં 50 વર્ષ કે તેથી વધુ વયની મહિલામાં સ્તન કેન્સરના 69 ટકા કેસ જોવા મળતાં હતા જ્યારે આજે 50 ટકા કેસ 50 વર્ષથી ઓછી વયની મહિલાઓમાં જોવા મળે છે. પહેલાં 30 વર્ષથી ઓછી વયમાં આ રોગ ભાગ્યે જ જોવા મળતું હતું.