- નેશનલ મેડિકલ કાઉન્સીલે ફરજિયાત હાજરી કરી છે
- 22 ડોક્ટરોની 3 મહિનામાં 50 ટકાથી ઓછી હાજરી
- 7 ડોક્ટર તો એવા છે, જેમણે હાજરી જ પૂરી નથી!
એનએમસીએ તબીબોની હાજરી ફરજિયાત કરી
જામનગરની મેડિકલ કોલેજ એક યા બીજા કારણોસર હંમેશા વિવાદમાં રહેવાં ટેવાયેલી છે. ત્યારે હાલ મેડિકલ કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સીલે તબીબો માટે હાજરી ફરજિયાત કરી છે. જે માટે બાયોમેટ્રીક્સ મશીનમાં ઈન-આઉટ કરવું ફરજિયાત કર્યું છે. ત્યારે જામનગરના 22 જેટલા ડોક્ટરોએ 3 મહિનામાં 50 ટકાથી ઓછી હાજરી પુરતા એનએમસીએ જામનગર મેડિકલ કોલેજને નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે. આમાં 7 ડોક્ટર તો એવા છે, જેમણે હાજરી જ પૂરી નથી! હવે તેઓના ખુલાસાઓ માગવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
50 ટકાથી ઓછી હાજરી
નેશનલ મેડિકલ કાઉન્સીલ દ્વારા તમામ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા પ્રોફેસરો, આસી. પ્રોફેસરો અને સિનિયર રેસિડેન્ટ માટે બાયોમેટ્રીક્સ હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમ લાગુ થઈ ગયા છતાં 19 જુનથી 19 સપ્ટેમ્બર સુધીના 3 મહિનામાં જામનગર મેડિકલ કોલેજના ડોક્ટરો છે કે જે હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમાંથી 7 જેટલા ડોક્ટરોએ તો એકપણ દિવસ હાજરી પૂરવાની તસ્દી લીધી નથી. જ્યારે 15 જેટલા ડોક્ટરોએ નામ પુરતી એટલે કે 50 ટકાથી ઓછી હાજરી પૂરી છે.
એનએમસી ખફા
50 ટકા હાજરીથી એનએમસી ખફા થઈ ગયું છે અને આ બાબતે જામનગર મેડિકલ કોલેજને નોટીસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. શું ખરેખર આ ડોક્ટરો હાજર રહેતા નથી કે પછી ધરાર હાજરી પૂરતા નથી.? જો કે, હવે એમએનસીએ નોટીસ ફટકારતાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ હવે તંત્ર રહી રહીને મેડિકલ કોલેજના ડોક્ટરોના ખુલાસા માગી રહી છે.
મેડિકલ કોલેજના ડીન
ઉપરોક્ત બાબતે, મેડિકલ કોલેજના ડીન સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું કે, આ ટેક્નિકલ ભૂલના કારણે થયું છે. જામનગર મેડિકલ કોલેજ દ્વારા આ બાબતે મેન્યુઅલ રજીસ્ટર રાખવામાં આવે છે, છતાં પણ અમે હજુ રજીસ્ટર ચેક કરીએ છીએ. તેનાથી ખબર પડી જશે, પરંતુ હાજરી ન પુરી તે ના ચાલી શકે. બાકી ડોક્ટર પર શું પગલાં લઇ શકાય તેનું કોઈ માર્ગદર્શન હજુ સુધી ઉપરથી આવ્યું નથી. હાલ તો આ સમગ્ર બાબતને લઇ જામનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આલમમાં ચર્ચા એ જોર પકડ્યું છે.


