કથા પ્રસાદ
મનોજ જોશી
“સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
“રામચરિત માનસ“ છુટતું નથી, એ આપણને છોડતું નથી
હનુમાનજીનો આશ્રય ખૂબ કરવો
આપણા ઉપકારોને યાદ રાખવા અને વેરીને ભૂલી જવા
શ્રીકૃષ્ણ પરમાત્માની રાજધાની દ્વારીકા નગરીમાં ગઇકાલે વિશ્વપ્રસિધ્ધ રામકથાકાર પ્રિય મોરારીબાપુની રામકથા “માનસ કૃષ્ણાવતાર “નો શુભ-મંગલ પ્રારંભ થયો હતો. શારદાપીઠ દ્વારીકા અને જગદગુરૂ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે દિપપ્રાગટય થયું હતું. આ અવસરે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક સંતો-મહંતો ઉપસ્થીત રહયાં હતાં. જગદગુરુ સદાનંદજીએ પ્રારંભે પોતાના વકતવ્યમાં પ્રસન્નતા વ્યકત કરી હતી અને રામચરીત માનસમાં રામનામનો મહીમા કેવો અદભુત અને અનુપમ છે એ વિશે વેદાંમતમય વિચારોના આધારે સાત્વીક સમજણ આપી હતી.
પ્રિય બાપુએ આ રામકથા માટે બાળકાંડની આ ચોપાઇઓ નિશ્ચીત કરી હતી તેમજ કથાનો કેન્દ્રીય વિષય “માનસ કૃષ્ણાવતાર “ રાખ્યો હતો.
જબ જદુવંશ કૃષ્ણ અવતારા !
કોઇહિ હરન મહા મહિભારા !!
કૃષ્ણ તનય હોઇહિ પતિ તોરા !
બચનું અન્યથા કોઇ ન મોરા !!
રામકથાના પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ કહયું કે આજથી નવ દિવસ માટે કૃષ્ણની દ્વારીકાનગરીમાં રામગાન કરીશું અને કથાનો કેન્દ્રીય વિષય “માનસ કૃષ્ણાવતાર “ વિશે સંવાદ કરીશું મને ઘણાં લોકોએ કહયું કે, બાપુ રામનામ-રામનામનો મહિમા એ વિશે વાત કરજો, પણ મને કૃષ્ણાવતાર વિશે વાત કરવાનું મન છે અને રામનામનો મહીમાએ વિશે જગદગુરૂ ભગવાને સરસ વાત કહી અને એ તો વેદાંતના માણસ એટલે વેદાંત વિચારધારા વાટે કેટલી સુંદર રીતે રામનામના મહીમા વિશે વાત કરી. આ રામકથા આ દિવસોમાં પાલીતાણામાં થવાની હતી. પણ જોગ, લગન, ગૃહ, વાર, તીથી વિગેરે અનુકુળ ન થયા તો એ કથા એપ્રીલમાં પાલીતાણામાં થશે. અને મે જામનગર વિનુભાઇને વાત કરી, મનોરથી પુર્ણીમાબેનને પુછયું તો એમણે કહયું કે બાપુ તમે કહો એમ… અને મે ભરતભાઇ (વીરપુર) અને ચીમનભાઇને વાત કરીકે દ્વારીકામાં કથા ગાવી છે, દિવસો ઓછા છે! અને એ સૌએ પણ કીધુ કે બાપુ, અઢાર-ઓગણીસ દિવસતો ઘણાં છે, આઠ દિવસમાં અમે બધી તૈયારી કરી શકીશુ, અને એ રીતે આજથી આ રામકથાનું ગાન કરીશું. હું મારી ખુબજ પ્રસન્નતા વ્યકત કરૂ છું કે, આટલા ઓછા દિવસોમાં આપ સૌ કાર્યકર્તાઓએ ખુબ સારી વ્યવસ્થા સાથે આ શકય બનાવ્યું છે. કથાના નિમીત માત્ર મનોરથી ડો.પુર્ણીમાબેન જેઠવાએ પોતાનો હૃદયભાવ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, હું બાપુની કૈલાસ કથામાં ગઇ હતી. અને મે મહાદેવને પ્રાર્થના કરી હતી કે, મારે ત્યાં રામકથાનો આવો માંડવો કયારે બંધાશે? અને મહાદેવની કૃપા થઇ, પૂ.બાપુનો પ્રેમ મળ્યો, આપ સૌ આવ્યા, મારૂ જીવન ધન્ય થયું.
કથા સંવાદને આગળ ધપાવતા પ્રિયબાપુએ કહયું કે માનસના મંગલાધરણના સાત મંત્રોમાં તલગાજરડાને આચરણના સંકેતો દેખાય છે. હનુમાનજીની જીજ્ઞાસા અને વાલ્મીકીજીનો આર્તનાદ આપણા આચરણમાં આવે તો જીવન સાર્થક થઇ જાય. આપણે સૌએ એ આચરણમાં જવું પડશે. વિવેક, વિનય અને માતૃત્વનો ગુણ આપણાં આચરણમાં આવે, સીતાજીની વંદના કરતા તુલસીજી મને અને તમને એ વિનય-વિવેક આચરણમાં આવે એની હિમાયત કરે છે. “રામચરીત માનસ “ છુટતુ નથી અને એ પણ આપણને છોડતું નથી. “સ્વીકાર “ એ એક મોટો મહામંત્ર છે. અને આપણા ઉપર જેણે જેણે ઉપકાર કર્યો હોય એને યાદ રાખવા જોઇએ. સ્વામી સચ્ચીદાનંદજી (દાંતાલી આશ્રમ) એ હમણા એક સુંદર પુસ્તક લખ્યું છે “મારા ઉપકારો “ એમાં સ્વામીજીએ દરેકને યાદ કર્યા છે. એના જીવનમાં જે જે લોકો એમને ઉપકારક બન્યા એમના વિશે એ સૌને યાદ કરીને એમણે લખ્યું છે તો બાપ, આપણા ઉપકારોને યાદ રાખવા અને વેરીને ભૂલી જવા.


