- મુખ્ય આરોપી જીતેશ પટેલે કર્યો આપઘાતનો પ્રયાસ
- DRIની કસ્ટડીમાં જીતેશે ગળા અને હાથની નસ કાપી
- જીતેશના ઘરે, ફેક્ટરી પર દરોડા બાદ આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં ડ્રગ્સના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં મુખ્ય આરોપી જીતેશ પટેલે DRIની કસ્ટડીમાં ગળા અને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જીતેશના ઘરે, ફેક્ટરી પર દરોડા બાદ પુછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સને દવાના નામે તૈયાર કરીને સપ્લાય કરાતું હતુ.
ડ્રગ્સના કેસની તપાસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડી.આર.આઈના સંયુક્ત ઓપરેશન મામલે મુખ્ય આરોપી જીતેશે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા 500 કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું. બીજી તરફ પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડ જીતેશ પટેલ અને તેના ભાગીદાર સંદીપકુમાર કુમાવત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ ફેક્ટરીમાં કેટામાઇનને મોટાપ્રમાણમાં તૈયાર કરીને તેને દવાની આડમાં પાર્સલ કરીને અમેરિકા અને ઇગ્લેન્ડ જેવા દેશોમાં સપ્લાય કરતા હતા. ડ્રગ્સના કેસની તપાસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વ્યક્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય બજાર કિમંત 500 કરોડ જેટલી અંદાજવામાં આવી
મહારાષ્ટ્રાના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે મહારાષ્ટ્ર જીઆઇડીસીમાં આવેલી શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની દવાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ હિન્હોરિયા (પટેલ) અને તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (રહે.ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન 30 કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેફેડ્રોન, સાડા ચાર કિલો જેટલુ કેટામાઇન અને 10 કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમીકલ અને 30 લાખની રોકડ જપ્ત કરવામાંઆવી હતી. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિમંત 500 કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.
મિત્ર સાથે દવાનું જોબ વર્ક કરવાના બહાને ડ્રગ્સનો કારોબાર
આ અંગે ક્રાઇમબ્રાંચના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે જીતેશ અને સંદીપ વર્ષ 2016-17માં કેમીકલ ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા. જીતેશે કેમીકલ વિષયમાં બીએસસી એમએસીનો અભ્યાસ કર્યો હતો અને તે ફાર્મા કંપનીમાં ડ્રગ્સ બનાવવાની ફોર્મુલા જાણી ગયો હતો. જે પછી તેણે તેના મિત્ર સાથે દવાનું જોબ વર્ક કરવાના બહાને ડ્રગ્સનો કારોબાર કરવા માટે મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની તૈયાર ફેક્ટરીને ટેકઓવર કરી લીધી હતી.