- 20મી ઓગસ્ટના રોજ મોકૂફ રહેલી પરીક્ષા હવે 24 નવેમ્બરે યોજાશે
- માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સની ડિગ્રી ધરાવતાં ઉમેદવાર લાયક
- પરીક્ષા માટે માત્ર 4,600 જ ફોર્મ ભરાતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી
રાજ્યની 300થી વધુ સંખ્યા ધરાવતી 5,075 શાળાઓમાં સ્પોર્ટ્સ શિક્ષકની કરાર આધારીત ભરતી કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે રાજ્યમાથી પરીક્ષા માટે માત્ર 4,600 જ ફોર્મ ભરાતાં પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જોકે હવે ભારે વિલંબ બાદ વધુ એક નવી લાયકાતનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવા ફેરફાર મુજબ હવે માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સની ડિગ્રી ધરાવતાં ઉમેદવાર પણ અરજી કરી શકશે.જેથી હવે 20મી ઓગસ્ટના રોજ મોકુફ રહેલી પરીક્ષા 24મી નવેમ્બરના રોજ યોજાશે.
ખેલ સહાયકની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.20મી ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ આ ભરતી માટેની વય મર્યાદાં 35 નક્કી કરવામાં આવી હતી એ પછી વધારીને 38 કરવામાં આવી. છતાં જગ્યા સામે પરીક્ષા માટે પૂરતા ઉમેદવરા જ મળ્યા નહી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વય મર્યાદાં 38થી વધારીને 40 અથવા તો 42 કરવાની શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. એ સિવાય વધુ ત્રણથી ચાર નવી લાયકાત પણ ઉમેદવારની દરખાસ્ત કરવામાં આવી હતી. પરીક્ષા રદ કર્યાના નિર્ણયના અઢી મહિના બાદ સરકાર દ્વારા ખેલ સહાયકને લઈ લેવાયેલા નિર્ણયમાં વય મર્યાદામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, માત્ર નવી લાયકાતનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેને લઈ ઘણા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે કે, જ્ઞાન સહાયકની પ્રાથમિક-માધ્યમિકમાં વય મર્યાદા 40 અને ઉ.માધ્યમિકમાં 42ની નક્કી કરવામાં આવી છે તો પછી ખેલ સહાયકની વય મર્યાદામાં કેમ વધારો કરાયો નહી. બીજુ કે, ખેલ સહાયકમાં ફીટનેશ અનિવાર્ય છે પરંતુ આ ભરતી કોઈ કાયમી નથી માત્ર કરાર આધારીત જ છે.