- નકલી ઘી રોકવા તંત્ર સક્રિય
- ટેસ્ટિંગ વાન રહેશે સ્થળ પર હાજર
- અગાઉ પણ બન્યા છે નકલી ઘીના બનાવ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં નકલી ઘી નંખાતુ રોકવા માટે તંત્ર સક્રિય થઈ ગયું છે. હાલના દિવસોમાં જેમ જોવામાં આવ્યું છે તેમ નકલી ઘીને લઈને ઘણી ફરિયાદો સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે મહત્વની તૈયારીઓ કરવામાં આવી છે.
મહત્વનું છે કે દરેક નવરાત્રીના નવમા નોરતે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે. જેના પર હજારો લીટર ઘીનો ભોગ ચડાવવામાં આવે છે. આ એટલી બધી માત્રામાં ઘી હોય છે કે રીતસર ગામની અંદર તેની નદીઓ વહેતી હોય એવા દૃશ્યો સર્જાય છે. આ ઘણું જ પુરાતન અને પાંડવ તેમજ રામાયણ કાળના ઈતિહાસ સાથે જોડાણ ધરાવતો તહેવાર છે. આ તહેવારમાં લાખો લોક ભાગ લેવા માટે વિદેશથી ખાસ આવે છે અને માતાજીના દર્શન કરી કૃતાર્થ થાય છે. ઉપરાંત ઘણાં લોકો તેને ઓનલાઈન પણ જોવે છે.
વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા હોવાથી આ પરંપરા અભડાય નહીં તે માટે તંત્રએ પણ આ વખતે પૂરતી તૈયારીઓ કરી છે. ખાસ કરીને નકલી ઘીની જે રીતે હાલના દિવસોમાં બૂમરાણ મચી છે અને એક પછી એક મોટા જથ્થા ઝડપાયા કરે છે તેનાથી તંત્ર પણ ચોંકી ગયું છે. ખાસ તો અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદમાં સેંકડો કિલો નકલી ઘીના વપરાશની ઘટના સામે આવ્યા બાદ તંત્રએ આ વખતે ખાસ કાળજી લીધી છે.
શું છે તૈયારીઓ?
આ વખતે પલ્લીમાં નકલી ઘી તો નથી ચડાવવામાં આવતું ને તે નક્કી કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આના માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો ખાસ હાજર રહેશે. તેમજ ટેસ્ટિંગ વાન પણ સ્થળ પર જ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ મામલે અગાઉ પણ આ બનાવમાં નકલી ઘી પકડાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેથી કરીને આ વખતે તંત્ર કોઈ પણ કચાશ રાખવા માગતું નથી.
શું છે પલ્લીનો ઉત્સવ?
રૂપાલ ગામમાં વરદાયિની માતાજીનું એક પૌરાણિક મંદિર છે જેના મૂળ છેક રામાયણ અને મહાભારત કાળ સુધી જાય છે. સોલંકીઓના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહને પણ માતાજીએ સ્વપ્નમાં આવીને દર્શન દીધા હોવાનું સાહિત્યકારોએ નોંધ્યું છે. જેથી આ ધામ અને અહીંની પલ્લીની પરંપરાનું ઘણું જ મહત્વ છે. દરેક સમાજના એક ખાસ યોગદાન સાથે આ પલ્લીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે. આથી આ વખતે પણ આ ઉત્સવ રંગેચંગે ઉજવાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.