- અફઘાનિસ્તાનમાં વરસાદી કહેર
- વરસાદ અને પુરને કારણે 50 લોકોના મોત
- 2 હજારથી વધુ ઘરો સંપૂર્ણ નાશ
અફઘાનિસ્તાનમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે પૂર આવતા અફઘાનિસ્તાનમાં જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળ્યુ છે. લોકોના મકાનો આખા પાણીમાં તણાઇ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તાલિબાનના એક અધિકારીના જણાવ્યાનુસાર અફઘાનિસ્તાનમાં વરસાદ અને પુરને કારણે 50 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
જાનમાલને થયુ છે નુકસાન
રોયટર્સના જણાવ્યાનુસાર અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના માહિતી વિભાગના વડા મૌલવી અબ્દુલ હૈ ઝઇમે કહ્યું કે શુક્રવારથી શરૂ થયેલા વરસાદને કારણે કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી નથી. કારણ કે વિસ્તારના અનેક મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ધોવાતા સંપર્ક કપાયો છે. ઝઇમે વધુમાં જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ફિરોઝ-કોહમાં 2 હજાર ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને 4 હજાર ઘરોને આંશિક નુકસાન થયું હતું, જ્યારે 2 હજારથી વધુ દુકાનો નાશ પામી હતી.
અફઘાનિસ્તાન કુદરતી આફતોનો શિકાર
ગયા અઠવાડિયે ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે ઉત્તરી અફઘાનિસ્તાનમાં ગામડાઓમાં વિનાશ સર્જાયો હતો. જેમાં 315 લોકો માર્યા ગયા છે અને 1,600 થી વધુ ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મહત્વનું છે કે અફઘાનિસ્તાન કુદરતી આફતોનો શિકાર બન્યુ છે. છેલ્લા મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જાન-માલને ભારે નુકસાન થયું છે. તે જ સમયે સંયુક્ત રાષ્ટ્ર તેને આબોહવા પરિવર્તન માટે સૌથી સંવેદનશીલ દેશોમાંનો એક માને છે. 2021માં વિદેશી સેનાઓ દેશથી નીકળ્યા બાદ. તાલિબાન સત્તામાં આવ્યા બાદ સહાયતાની ઉણપ વર્તાઇ રહી છે. કારણ કે સરકારે વિકાસ સહાયતાના કામોમાં કટૌતી કરી દીધી હતી.


