પત્રકાર નિલેશ રૂપાપરાના અકાળ અવસાન બાદ પત્રકારમિત્ર દિલીપ ગોહિલ ફેસબૂક પર એમના સ્મરણો એપિસોડિક રીતે લખતા. સ્વમિત્ર કથા નામથી. ખબર નહિ, એ વાંચતી વખતે દિલીપભાઈનું લખાણ વેરવિખેર લાગતું. સામાન્ય રીતે દિલીપભાઈ લખે કે બોલે બધું જ મુદ્દાસર હોય. ઓછા, સરળ પણ સચોટ શબ્દો. મૃદુતા સાથે મક્કમતા અને પાક્કા અભ્યાસ સાથે અભિપ્રાય કે અહેવાલ – એ એમની કાયમી ઓળખ. અને કોઈ એક રંગે રંગાયા વિના સંતુલિત સ્વસ્થતા પણ. તટસ્થતા જાળવીને પણ સત્ય તરફ ઝુકાવ રાખે એવા દુર્લભ મિડિયાકર્મી. એમનો પરિચય હું એક સમયે અભિયાનમાં રંગત સંગત કોલમ લખતો ત્યારે એ એમાં સંપાદક તરીકે પાછળથી જોડાયા ત્યારે થયેલો. એ કોલમ તો કોલેજ પ્રિન્સિપાલની નોકરીની માફક સિદ્ધાંતો માટે મેં એકઝાટકે છોડી દીધેલી. પણ દિલીપભાઈ સાથે ઓળખાણ યથાવત રહી.
રોજબરોજ વાત કરવાનો વહેવાર નહિ. મારા જન્મદિન નિમિત્તે છેલ્લે વાત થયેલી. એમના એક મિત્રના કાર્યક્રમ માટે હું ખાસ રાજુલા એમના વેણનું માન રાખવા ગયેલો ત્યારે ત્યાં હાજર હતા ખૂબ રાજી થયેલા. એમની ફેસબૂક પોસ્ટ જોતો રહું. વિડિયો પણ. રાજકીય સમજ એમની ઘડાયેલી એટલે ઇલેક્શન પર એમના એનાલિસિસ સાંભળવાની મજા પડે. લેખન પણ એમના સાહિત્યના શોખથી ઘડાયેલું. GSTV માં સાથે ચર્ચા પણ કરેલી એક ને વખત અમે. પાછળથી એમના મિડિયા બાબતે સરનામા ફરતા રહ્યા એટલે ફેસબૂક કનેક્શન રહ્યું.
એમાં જ એમની પોસ્ટ જોઈ નવાઈ લાગેલી કે હમણાં એક ચુસ્ત ને સક્ષમ એડિટરનું લખાણ આમ ઝોલ કેમ ખાતું લાગે ? કોઈ અજંપો હશે ? કોઈ પરિતાપ સતાવતો હશે ? મિત્ર વિયોગનો આઘાત ? એક વાર થયું કે કોમેન્ટ નહિ, કોલ કરીને વાત કરું. વ્યસ્તતામાં એ થઈ નહિ. રોજેરોજનો વહેવાર નહિ ને પર્સનલ સ્પેસમાં સીધું ઘૂસવું અજુગતું લાગે એ પણ કારણ.
સારું થાત જો કરી હોત તો. આજે અણધાર્યા ન્યુઝ મળ્યા કે દિલીપ ગોહિલ તો બીમાર હતા થોડા દિવસોથી ને ભાવનગર હોસ્પિટલ ખાતે એમણે ન્યૂમોનિયાને લીધે છેલ્લા શ્વાસ લીધા. બીજા માટે હેડલાઇન બનાવતા પત્રકારોના નસીબમાં આખી જિંદગી ફિલ્ડને સમર્પિત કર્યા પછી પણ ખુદની આખરી હેડલાઇન બનવાનું હોતું નથી. પણ એક સરસ ને સાલસ જીવ ગુમાવ્યાનું દુઃખ આજના દિવસે એ જ અસર જન્માવી ગયું. શું કહીએ. ફેરવેલ, અલવિદા… પણ એ ક્યાં વાંચશે હવે?