- લેખિત પરીક્ષા ફરી નહીં આપવા, પોલ ટેસ્ટ માટે ઉમેદવારોની સંમતિ
- કાનૂની કાર્યવાહી કરવા, મુખ્યમંત્રી, ઊર્જામંત્રી,ગૃહમંત્રીને રજૂઆત કરાશે
- નવ મહિનાની મહેનત પર પાણી ન ફેરવવા માટે પણ અનુરોધ કરાયો
ગુજરાત ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો)માં 1224 વિદ્યુત સહાયકોની નવ મહિના બાદ રદ કરાયેલી ભરતી સામે આજે બીજા દિવસે પણ બપોર સુધી ઉમેદવારોએ રેસકોર્સ ખાતેના વડામથક બહાર ધરણાં કર્યા હતા.યુવક અગ્રણી યુવરાજસિંહ અને 15 ઉમેદવારોએ આજે જેટકોના એમડી સમક્ષ રજૂઆત કરી હતી.જેમાં ઉમેદવારો ફરીથી લેખિત પરીક્ષા નહિ આપે અને પોલ ટેસ્ટ આપવા તૈયાર છે તેમ જણાવાયું હતું. જેટકોના મેનેજમેન્ટ દ્વારા કાયદાકીય દ્રષ્ટિએ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવા જણાવાતા 48 કલાકનું અલ્ટિમેટમ આપી ઉમેદવારોએ તેમનું આંદોલન બપોરથી મોકૂફ રાખ્યું હતું.
એમ.ડી. સમક્ષ રજૂઆતમાં જણાવાયું હતુંકે, આ પરીક્ષામાં પોલ ટેસ્ટમાં તમને ક્ષતિ જણાઇ છે તો તે ફરીથી ઉમેદવારો આપશે, લેખિત પરીક્ષા શા માટે પરીક્ષા આપે. ઉમેદવારો લેખિત પરીક્ષા હરગીજ નહિ આપે.
બીજી તરફ ઉમેદવારોએ તેમની વાજબી માગણી અંગે મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી અને ગૃહ મંત્રીને પણ રજૂઆત તેઓ કરશે તેમ જણાવ્યું હતું. નવ મહિનાની મહેનત પર પાણી ન ફેરવવા માટે પણ અનુરોધ કરાયો હતો. કેટલાક ઉમેદવારોએ તો રદ કરાયેલી ભરતી સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ વિચારણા શરૂ કરી છે. જેટકો તરફથી પ્રતિનિધિ મંડળને પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર રહે તેવા નિર્દેશ અપાયા હતા.
1224ના બદલે 2000ની ભરતી કરીશું તેવા નિર્દેશ
જેટકોના એમડીએ આજે ઉમેદવારો રજૂઆત વખતે એવી હૈયાધારણા આપી હતી કે, 1224ની ભરતી સામે અમે દોઢી ઉપરાંત ભરતી કરીશું. 2000ની ભરતી કરવાના નિર્દેશ આપ્યા સાથે ઉમેદવારોને લેખિત અને પોલ ટેસ્ટ માટે તૈયાર રહેવા પણ જણાવાયું હતું. પોલ ટેસ્ટના આધારે જ મેરિટ નક્કી થતું હોય છે.


