- અમદાવાદ-રાજકોટમાં ડાયરેક્ટરોની ઓફિસ, રહેઠાણ સહિત આઠ સ્થળે કાર્યવાહી
- કંપનીના ડાયરેક્ટર કમલેશ કટારિયા- નીલેશ કટારિયાએ ફેસિલિટી મેળવી ફંડ ડાઇવર્ટ કર્યું
- અમદાવાદમાં ચાર સ્થળે છ રાજકોટ (ગોંડલ)ના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અમદાવાદ ઝોનલ ઓફિસના અધિકારીઓએ અમદાવાદ અને રાજકોટમાં જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ અને ડાયેરક્ટરોના રહેઠાણે દરોડા પાડયા હતા.196.82 કરોડની બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટી મેળવીને બેન્કને આર્થિક નુકસાન કરાવ્યું હતું.
આજરોજ બીજા દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવતા મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો કમલેશ માવજીભાઇ કટારિયા અને નીતેશ માવજીભાઇ કટારિયા, કમલેશ કુમાર કાંતિલાલ રાજપુરાના રહેઠાણ અને ઓફિસમાં ઇડીએ દરોડાની કામગીરી હાથ ધરી છે. 196.82 કરોડના બેન્ક લોનના કૌભાંડમાં મની લોન્ડરિંગ હેઠળ ગુનો દાખલ કરીને દરોડાની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદમાં ચાર સ્થળે છ રાજકોટ (ગોંડલ)ના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇડીના અમદાવાદના અધિકારીઓ જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડની ગોંડલમાં આવેલી રજિસ્ટર્ડ ઓફિસમાં દરોડા પાડી મોટી માત્રા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. ડિજીટલ ડિવાઇસ સીલ કર્યા છે. અમદાવાદ બોપલ -ઘુમા જવાના રોડ પર રાજ તિલક કોમ્પ્લેક્ષમાં દરોડા પાડીને કોથળા ભરીને ઓફિસમાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. આરઓસીમાં રજીસ્ટર્ડ થયેલી કંપનીનુ વાર્ષિક ટર્નઓવર 500 કરોડથી પણ વધારે છે. કંપની ટ્રાન્સમીશન ટાવર ઇન્સ્ટોલેશન કરવાનું કામ જીઇબી, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એનર્જી ઉપરાંત દેશની અન્ય મોટી કંપનીઓ સાથે કરાર કરીને કરોડોના ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપનીનો પ્લાન્ટ સરખેજ-મોરૈયા ગામ નજીક આવેલો છે.
કંપનીના ડાયરેક્ટરોએ આઇડીબીઆઇ બેન્કમાંથી ક્રેડિટ ફેસેલિટીના નામે તબક્કાવાર 196.82 કરોડની ફેસેલિટી મેળવી હતી. ક્રેડિટ મેળવીને ફંડ માર્કેટમાં ડાઇવર્ટ કર્યું હતું. પહેલા ભોપાલમાં સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બીજી બેન્ક સાથે પણ છેતરપિંડી કરવા બદલ મુંબઈ સીબીઆઇમાં પણ ગુનો દાખલ થયો હતો. બીજી બેન્કો સાથે 167.43 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. બેન્ક લોન રૂપિયામાં વસાવેલી બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. કોને કોને રૂપિયા ટ્રાન્સફર કર્યો તેની વિગતો બેન્કમાંથી મેળવી લેવાઇ છે. હવે બેનામી મિલકતોની યાદી બનાવીને ટાંચમાં લેવાશે. દરોડાની કાર્યવાહીથી કેટલાક ભાગીદારો ભૂગર્ભમાં જતા રહ્યા છે.


