અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન તેજ કરાયું છે. સરદારનગરમાં ગેરકાયદે 150 દબાણો દૂર કરી 20 હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાઇ છે. કમલ તળાવડી પર 150 દબાણો થઇ ગયા ત્યાં સુધી તંત્ર ઊઘંતુ રહ્યું હતું અને હવે કાર્યવાહી કરવા દોડી ગયા હોવાની ચર્ચા છે. કામગીરીમાં 200 અધિકારીઓ જોડાયા છે.
છેલ્લા 30 વર્ષમાં શહેરના વિવિધ તળાવ પર દબાણો વધી ગયા ત્યાં સુધી જિલ્લા કલેકટર કચેરીનું તંત્ર ઊંઘતું રહ્યું છે. સ્થાનિક મામલતદારોએ માત્રને માત્ર આર્થિક લાભ ખાટીને દબાણ દૂર કરવાની તસ્દી લીધી નથી. સરકારે તાજેતરમાં દબાણો દૂર કરી ખુલ્લા પ્લોટમાં ફેસીંગ કરવા એક કરોડની ગ્રાન્ટ આપી હતી. જેનો હિસાબ વિભાગના મામલતદાર આપી શક્યા નહીં. તેઓની બદલી થઇ ગઇ હોવાથી સ્ટાફ કહે છે કે, અમને ખબર નથી. એટલેકે. જિલ્લા કલેકટરની કચેરી તળાવ પરથી દબાણો દૂર કરતું નથી અને સરકારી ગ્રાન્ટનો પણ હિસાબ આપી શક્તી નથી. જેના લીધે છેલ્લા કેટલાક વર્ષમાં તળાવ પર દબાણો થઇ ગયા છે. સરદારનગરમાં પણ ટી.પી.સ્કીમ નં.97 નરોડા નોર્ષ, ફાઇનલ પ્લોટ નં.14/2ના સર્વે. નં.258ના કમલ ઉર્ફે ઉમલા તળાવડીની કુલ 20,032 ચો.મી.જમીન હતી. જેનો મુખ્ય હેતુ તળાવનો હતો. પરંતુ સમયાંતરે દબાણો થઇ ગયા હતાં. છેલ્લા 25 વર્ષમાં દબાણો વધી ગયા હતાં. કલેકટર હસ્તકના તળાવોનો ગત સપ્ટેમ્બર-2025ના રોજ કબજો મળ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશને નોટીસ ફટકારી હતી. જેની સામે સ્થાનિકો કોર્ટમાં ગયા હતાં. કોર્ટો અરજી માન્ય રાખી નહીં. કોર્પોરેશને એક નોટીસ બાદ રહેણાંક, કોમર્શીયલ અને ધાર્મિક પ્રકારના 150 દબાણો દૂર કરવાની કામગીરી આરંભી છે. કામગીરી બેથી ત્રણ દિવસ ચાલશે.
જિલ્લા કલેકટર કચેરી સોંપેલા તળાવ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી
જિલ્લા કલેકટર કચેરી દ્વારા સોંપેલા તળાવ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કલેકટર કચેરી દ્વારા જેટલા તળાવ સોંપાયા છે, તેમાં પુરાણ છે અને દબાણો થઇ ગયા છે. કોર્પોરેશન દ્વારા એક નોટીસ આપી દબાણો દૂર કરી દેવાય છે. હજી ઘણાં તળાવ પર દબાણ છે, જેમાં બિલ્ડીંગો બની ગયા છે, તે દૂર કરાશે કે નહીં ? તેની પર સૌની નજર છે.


