- વર્ષોથી એક જ કંપની RKCને અપાયો કોન્ટ્રાક્ટઃ AMC વિપક્ષ નેતા
- 1 હજાર કરોડનું બજેટ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- કમિશનરને રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માગ કરીશું
અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં ઠેરઠેર ભૂવા પડ્યા છે. ત્યારે અમદાવાદમાં પડતા ભૂવાને લઈને AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આરોપ લગાવ્યા છે કે વર્ષોથી માત્ર એક જ કંપની RKCને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને શહેરમાં ભૂવા રિપેર કરવામાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા: AMC વિપક્ષ નેતા
AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે અમદાવાદમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને આ ભૂવા રિપેર કરવામાં 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષોથી એએમસી દ્વારા એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, RKC નામની કંપનીને રૂપિયા 600 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું
શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ, પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ જેવા અનેક અલગ અલગ નામ આપવામાં આવે છે પણ રોડની સ્થિતિ એકની એક જ જોવા મળે છે. શહેરમાં રોડ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ત્યારે હવે અમે રોડને લઈને વિજિલન્સ તપાસની માગ કરીશું તેવુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું.
વર્ષ 2023માં શહેરમાં 158 ભૂવા પડ્યા હતા
શહેરમાં ચોમાસની આ સિઝનમાં અત્યાર સુધી 33 ભુવા પડ્યા છે, ત્યારે વર્ષ 2023માં શહેરમાં 158 ભૂવા પડ્યા હતા, ત્યારે જો વર્ષ 2022ની વાત કરવામાં આવે તો તે સમયે શહેરમાં 79 ભૂવા પડ્યા હતા અને વર્ષ 2021માં કુલ 49 ભૂવા શહેરમાં પડ્યા હતા, આમ, છેલ્લા 4 વર્ષમાં શહેરમાં કુલ 319 ભૂવા પડ્યા છે અને તેને રિપેર કરવા માટે 4 વર્ષમાં 48 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
કમિશનરને રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માગ કરીશું
તમને જણાવી દઈએ કે શહેરમાં આટલા મોટા મસમોટા ભૂવા પડ્યા હોવા છતાં પણ એક જ કંપનીને વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ત્યારે રોડ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવુ ચોક્કસ પણે લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક ભૂવો રિપેર કરવા માટે આશરે 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને કુલ 319 ભૂવા રિપેર કરવામાં પ્રજાના ટેક્સના 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે હવે કમિશનરને રજૂઆત કરીશું અને વિજિલન્સ તપાસની માગ કરીશું.