- પોતાના બાળકને ખોડ છે તેવું માનવા તૈયાર ન થતાં વાલીએ બેરા ટેસ્ટ કરાવવો હિતાવહ
- સોલા સિવિલમાં અગાઉ મહિને બે કેસ આવતા જે વધીને હવે 25થી 30 સુધી પહોંચ્યા છે
- 70 ટકા વાલીઓ સારવાર માટે મોડા પડે છે, તો કેટલાક અંધશ્રદ્ધા તરફ ધકેલાય છે
નાના બાળકને બોલવા સાંભળવામાં તકલીફ હોવા છતાં 70 ટકા જેટલા કિસ્સામાં વાલી સારવાર કરાવવામાં વિલંબ કરે છે.બાળક બે અઢી વર્ષનું થાય અને લાગે કે તે બોલવામાં કે સાંભળવામાં કોઈ રિસ્પોન્સ નથી કરતો તેવા કિસ્સામાં તાત્કાલિક બેરા ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
કમનસીબે મોટા ભાગના કિસ્સામાં એવું સામે આવ્યું છે કે, બાળક રિસ્પોન્સ ના કરે તેવી સ્થિતિમાં જે તે વાલી પોતાના સંતાનમાં ખોડ છે તેવું માનવા માટે તૈયાર હોતા નથી, જેના કારણે બાળકની બીમારીનું જલદી નિદાન થઈ શકતું નથી અને સારવારમાં વિલંબના કારણે બાળકને ઝડપી રિકવરીના ચાન્સીસ ઘટી જાય છે તો કેટલાક કિસ્સામાં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી પણ થઈ શકતી નથી.
સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાં ડો. નીનાબહેન ભાલોડિયાના કહેવા પ્રમાણે છેલ્લા પાંચેક વર્ષથી જન્મજાત બહેરાશ, બોલવામાં તકલીફ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. સોલા સિવિલમાં ચારેક વર્ષ પહેલાં ત્રણ મહિને માંડ એક કેસ આવતાં હતા, જોકે અત્યારે દર મહિને 25થી 30 જેટલા કેસ ઓપીડીમાં સારવાર માટે આવતાં હોય છે. તબીબોનું કહેવું છે કે, કેટલાક તાવીજ, દોરા ધાગામાં વ્યસ્ત રહે છે તો મોટા ભાગના વાલી બાળકને તકલીફ છે એવું માનવા તૈયાર હોતાં નથી. કેટલાક વાલી પાંચથી સાત વર્ષના સંતાનની સારવાર માટે આવતાં હોય છે. સારવારમાં વિલંબના કારણે બાળકની પ્રગતિ રૂંધાય છે. સૂત્રો કહે છે કે, સોલા સિવિલમાં છ મે 2022થી અત્યાર સુધીમાં 280 જેટલા બાળકોની કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત છ વર્ષથી નાના બાળકો જે જન્મથી બહેરા છે તેમની સર્જરી વિના મૂલ્યે થઈ શકે છે.
જન્મજાત બહેરાશના કારણો
જન્મજાત બહેરાશ માટે કાનના અંદરના હાડકામાં પ્રવાહી સુકું થાય એટલે તકલીફ થતી હોય છે, આ ઉપરાંત ગર્ભાવસ્થામાં બીજાથી આઠમા અઠવાડિયા દરમિયાન કોઈ તકલીફ થઈ હોય, વાયરલ ઈન્ફેક્શન હોય, બેક્ટેરિયલ હોય અને દવા લેવામાં આવે તો બાળકને તકલીફ થતી હોય છે, આ અરસામાં બધી દવા લઈ શકાતી નથી, આ ઉપરાંત સૌથી મોટું કારણ જીનેટિક હોય છે, એને નિવારવા પરીક્ષણ કરી શકાય છે.


