- ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગ માટે મૂકી હતી ત્યારે શોર્ટ સર્કિટ
- માતા બે સંતાનો સાથે બારીની છત પર ચડી જતા બચાવ, ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યા
- આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફલેટમાં અફરાતફરી મચી
વાસણા બેરેજ રોડ પર આવેલ સિદ્ધશિલા ફ્લેટના ત્રીજા માળે એક મકાનમાં બુધવારે વહેલી સવારે અચાનક જ ધડાકા સાથે આગ લાગી હતી. આગથી બચવા માટે પરિવારના ત્રણ સભ્યો બારીની છત ઉપર ચડી ગયા હતા.
આગની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્રણેય વ્યકિતઓનું રેસ્ક્યૂ કર્યું હતું. ઘરમાં જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી ત્યારે તેમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા સાથે આગ લાગી હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
વાસણા બેરેજ રોડ પર આવેલ સિદ્ધશિલા ફલેટમાં પરિવાર સાથે રહેતા ભૂમિકાબેન શાહના ઘરે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હોવાથી તેની બેટરી ચાર્જ કરવા બુધવારે વહેલી સવારે મૂકી હતી. તેમાં શોર્ટ સર્કિટ થતાં બેટરી ધડાકાભેર ફાટી હતી. જેના કારણે મકાનમાં આગ લાગતા ભૂમિકાબેન અને તેમના બે સંતાનો બેડરૂમનો દરવાજો બંધ કરીને જીવ બચાવવા માટે બારીની છત પર જતા રહ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફલેટમાં અફરાતફરી મચી હતી.