- ટ્રકની બ્રેક ફેઈલ થતા કારને અડફેટે લીધી
- અકસ્માતના કારણે 2 કલાક ટ્રાફિક જામ
- ટ્રક રાજસ્થાનથી રાજકોટ તરફ જઈ રહી હતી
અમદવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના વૈષ્ણોદેવી બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેકની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
રોડ પર અકસ્માતના કારણે 2 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો
વૈષ્ણોદેવી બ્રિજ પર એક લોડેડ ટ્રકની બ્રેક અચાનક ફેલ થતાં કારને અડફેટે લીધી હતી. ટ્રક ચાલકે કારને અટફેટે લેતા કાર 50 ફૂટ જેટલી રોડ પર ઢસડાઈ હતી. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પણ અકસ્માતના કારણે 2 કલાક સુધી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. ટ્રક રાજસ્થાનથી રાજકોટ તરફ જઈ રહી હતી, ત્યારે આ સમગ્ર મામલે અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો
થોડા દિવસ પહેલા જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 લોકોના મોત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ 3 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટના અંગે જાણકારી મળતા જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને આ અકસ્માતને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો.
વાડજમાં બેફામ કારે આંખના પલકારામાં 6 લોકોને કચડ્યા હતા
બે મહિના અગાઉ અમદાવાદમાં એક બેકાબૂ કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થાનિક લોકોએ કારને ઊંચી કરીને તેની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. શહેરના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વ્યક્તિ કાર લઈને જઈ રહ્યા હતા અને વાડજ સર્કલ નજીક અચાનક કારે ફૂલ સ્પીડમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આગળ રહેલા ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ગાડીએ 3 ટુ-વ્હીલર અને એક રીક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 પુરુષો અને 3 મહિલાઓને ઈજા પહોંચી હતી, જ્યારે 55 વર્ષના ભોગીલાલ પરમારનું મોત થયુ હતું.