- જન્માષ્ટમીના તહેવાર સારી રીતે ઊજવાય તે માટે સરકારનો નિર્ણય
- 17 હજારથી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ
- 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ
રાજ્યના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ – સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ. 100 પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15 ના રાહત દરે વિતરણ કરાઈ રહ્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, અન્ન, નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો- 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ 74 લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની 3.60 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ-2024 માસમાં ઘઉં, ચોખા,બાજરી અને ‘શ્રી અન્ન’ – જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની 17,000 થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે. રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાય છે.