- કોર્ટનો હુકમ લઈ વચગાળાના જામીન પર કેદીને છોડાવવા યુવક ગયો હતો
- જેલ સ્ટાફે યુવકને પકડી રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો
- કોર્ટના હુકમમાં સાંજ પાંચ વાગ્યે કેદીને વચગાળાના જામીન પર છોડવાનો હુકમ હતો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગેટ પર ફરજ બજાવતા જેલ સહાયકને રવિવારે સવારે યુવકે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.કોર્ટનો હુકમ લઈને કેદીને વચગાળાના જામીન પર મુક્ત કરાવવા આવેલા યુવકે જેલ સહાયકને હુકમ આપ્યો હતો.
સાંજે પાંચ વાગ્યે છોડવાનું હુકમમાં લખ્યું હોવાથી જેલ સહાયકે પછી આવવાનું કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો. ફરજમાં અડચણ કરતા યુવકને જેલ સ્ટાફે પકડી રાણીપ પોલીસને સોપી ગુનો દાખલ કરાવ્યો હતો.જેલ સહાયક સાથે ફરજ બજાવી રહેલા યુવક પાસે ગાંધીનગરના સેક્ટર 13માં રહેતો મનન મુકેશ ચૌધરીનો આવ્યો હતો અને મનને જેલ સહાયકને કોર્ટનો હુકમ આપીને સબંધીને વચગાળાના જામીન પર મુકત કરવાની વાત કરી હતી.
કોર્ટના હુકમમાં સાંજ પાંચ વાગ્યે કેદીને વચગાળાના જામીન પર છોડવાનો હુકમ હતો. આથી, જેલ સહાયકે મનનને સાંજે 5 વાગ્યે છોડવાનો હુકમ હોવાથી કેદી પાંચ વાગ્યે છૂટશે તેમ જણાવ્યું હતું. જેલ સહાયકના જવાબથી ઉશ્કેરાયેલા મનને અપશબ્દો બોલી ધમકી આપી બહાર આવો તમને જાનથી મારી નાંખવાના છે. બનાવને પગલે ફરજમાં અડચણ કરી ધમકી આપતા મનન ચૌધરીને જેલસ્ટાફે પકડી રાણીપ પોલીસને સોંપ્યો હતો.


