- ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધુ કેસ સામે આવ્યા
- રાજકોટ, બનાસકાંઠા અને ગાંધીનગરના એક દર્દીએ દમ તોડયો
- દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસમાં વધારો
ગુજરાતમા છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે જ્યારે બેથી ત્રણ જેટલા દર્દીનાં મોત થયા છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે,
મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આપ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતાં હોય છે. કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે.
સૂત્રો કહે છે કે, રાજ્યના કેટલાક શહેરી ક્ષેત્રોમાં જે તે વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે લોકલ બોડી સમક્ષ રજૂઆતો થઈ રહી છે, વડોદરામાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરાતાં નથી. આવા વિસ્તારમાં સર્વેલન્સ, પાણી, સ્વચ્છતા અને સોશિયલ મોબિલાઈઝેશન તાત્કાલિક શરૂ કરવાની પણ માગણીઓ ઊઠી છે.


