- ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગનો મામલો
- દરેક જિલ્લામાં પ્રાણી-જીવ ક્રૂરતા રોકવા અલગ સોસાયટી કે સંસ્થા બનાવવાની સરકારની ફરજ
- હાઇકોર્ટે નવેસરથી સોગંદનામું રજૂ કરવા એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર સેક્રેટરીને હુકમ કર્યો
ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ(ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
જો કે, સરકારના જવાબમાં અધૂરી, અપૂરતી વિગતો હોવાથી અને કોઇ સ્પષ્ટ વાત જણાવાઇ નહી હોવાના મુદ્દે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકારનો ઉધડો લઈને સરકારના વલણ પરત્વે નારાજગી અને આવા જીવો પરત્વે સંવેદના પ્રગટ કરતા જણાવ્યું હતું કે, રાજયના દરેક જિલ્લામાં પ્રાણી-જીવ ક્રૂરતા રોકવા અલગ સોસાયટી કે સંસ્થા બનાવવાની સરકારની ફરજ છે. ખંડપીઠે નવેસરથી વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર સેક્રેટરીને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ઉંદર જેવા આવા પ્રાણીઓ અને જીવોને પકડવા અને ફ્સાવવા આ પ્રકારના ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ મૂકાયેલો હોવા છતાં રાજય સરકાર દ્વારા તેની અમલવારી કરાવવાના બદલે કેન્દ્ર સરકાર પર જવાબદારી ઢોળે તે અયોગ્ય છે. સરકાર દ્વારા આ મામલે યોગ્ય અને જરૂરી પગલાં લેવાયા જ નહી હોવાની પણ હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી.
જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુંદર ફંસો એ એડહેસિવ્સ સાથે કોટેડ બોર્ડ છે. તેનો ઉપયોગ ઉંદરો જેવી પ્રજાતિને ફ્સાવવા માટે થાય છે જે ફ્લોર પર ફરતી વખતે તેમાં અટવાઈ જાય અને બોર્ડના ગુંદર સાથે ચીપકી જાય છે. આવા ગ્લુ ટ્રેપ બોર્ડ પર ફ્સાયેલા પ્રાણીઓ ઘણીવાર ધીમી, પીડાદાયક મૃત્યુનો ભોગ બનતા હોય છે. ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર ખુદ રાજ્યના પશુ કલ્યાણ બોર્ડ દ્વારા પ્રિવેન્શન ઓફ્ ક્રુઆલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ-11 અન્વયે ગયા વર્ષે 5 સપ્ટેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો. જો કે, આ પરિપત્ર માત્ર કાગળ પર જ રહ્યો છે અને તેની કોઇ અમલવારી થઇ રહી નથી.


