- અમદાવાદ-ગાંધીનગરની IB બોર્ડ સંલગ્ન સ્કૂલોની ફી સવા લાખથી સાડા ચાર લાખ
- આ સ્કૂલ FRCએ મંજૂર કર્યાં ઉપરાંત એડમિશન અને ટર્મ ફીના નામે પણ રૂ.1.13 લાખ વસૂલશે
- FRC દ્વારા આ સ્કૂલને ચાલુ વર્ષે પણ રૂ.21,500નો ફી વધારો કરી અપાયો
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા ખાનગી સ્કૂલોની મંજૂર કરાતી ફીમાં અમદાવાદ અને ગાંધીનગરની IB બોર્ડ સંલગ્ન સ્કૂલોની વાર્ષિક ફી સવા લાખથી લઈને સાડા ચાર લાખ સુધી મંજૂર કરાઈ છે, જેમાં સૌથી વધુ અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલને વાર્ષિક રૂ.4.52 લાખ ફી વસૂલવાનો એફઆરસી દ્વારા પરવાનો અપાયો છે.
FRC દ્વારા આ સ્કૂલને ચાલુ વર્ષે પણ રૂ.21,500નો ફી વધારો કરી અપાયો છે. મહત્ત્વની વાત તો એ છે કે, એડમિશન અને ટર્મ ફીના નામે પણ આ સ્કૂલ વિદ્યાર્થીઓ પાસેથી એફઆરસીએ મંજૂર કર્યાં ઉપરાંત વધુ રૂ.1.13 લાખની વસૂલી કરશે.અમદાવાદ ઝોનની અત્યારે નિમાઈ એ પહેલાની ફી કમિટી દ્વારા વર્ષ-2024-25 માટેની જે પ્રોવિઝનલ અને ફાઇનલ ફી નક્કી કરાઈ હતી એમાં IB બોર્ડ સંલગ્ન સ્કૂલોની ફી પર નજર કરવામાં આવે તો. શહેરના એસજી હાઈવે સ્થિત શાંતિગ્રામ ખાતે આવેલી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલની વર્ષ-2024-25ની પ્રોવિઝનલ ફી રૂ.4,52,025 નક્કી કરાઈ છે. આ સ્કૂલની વર્ષ-2023-24ની ફી રૂ.4,30,500 હતી એ પહેલા વર્ષ-2022-23માં રૂ.4,10,000 હતી.આમ સતત ત્રણેય વર્ષમાં નિરંતર ફી વધારો જોવા મળ્યો છે. એ સિવાય અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની ફી રૂ.1,26,000 મંજૂર કરાઈ છે, જે ગત વર્ષે રૂ.1,14,660 હતી. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત કેલોરેક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલની ફી રૂ.2,48,614 અને અમદાવાદ સ્થિત કેલોરેક્સ ઓલીવ ઈન્ટરનેશનલ સ્કૂલની ફી રૂ.3,19,174 તેમજ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલની ફી રૂ.2,98,778 મંજૂર કરાઈ છે.
આ ત્રણેય સ્કૂલની ગત વર્ષની ફીની સરખામણીએ કોઈ વધારો કરાયો નથી. એ સિવાય જે.જી ઈન્ટરનેશનલ સ્કૂલની વર્ષ-2022-23ની ફી 2,94,157 મંજૂર કરાઈ હતી, જેની વર્ષ-2023-24 અને વર્ષ-2024-25ની ફી હજુ મંજુર કરવામાં આવી નથી અથવા તો કમિટીએ તેની વેબસાઈટ પર જાહેર કરી નથી. આમ આખીયે પ્રક્રિયામાં IB બોર્ડ સંલગ્ન સ્કૂલોની જે ફી નક્કી કરાઈ છે એમાં માત્ર અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલને જ ફી વધારો કરી આપ્યો છે.
IB બોર્ડ સંલગ્ન સ્કૂલોની ચાલુ વર્ષની ફી
અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ,ગાંધીનગર-રૂ.4,52,025
કેલોરેક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર-રૂ.2,48,614
મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ-રૂ.2,98,778
કેલોરેક્સ ઓલીવ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ-રૂ.3,19,174
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ-રૂ.1,26,000