સાત-સાત વર્ષથી સીકસ લેનના કામ ન થતાં કરોડોના ઇંધણના ધૂમાડા
લાખો માનવ કલાકનો વ્યય : અબજોનું બજેટ છતાં કોઇ કહેનાર નથી
રાજકોટથી અમદાવાદ આવતા જતાં સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પણ કેમ ચૂપ
રાજકોટ-અમદાવાદ વચ્ચે સિકસલેન હાઇવેનો પ્રોજેકટ કોઇ અશુભ ચોઘડીયે નીકળ્યો હશે. તેથી તેનો ઉધ્ધાર થતો નથી. કેન્દ્રમાં બેસ્ટ પર્ફોમન્સ રિપોર્ટ ધરાવતા નીતિન ગડકરીના મંત્રાલયમાં આવતા નેશનલ હાઇવેની હાલત વિશે ટોપ ટુ બોટમ રહસ્યમય ચુપકીદીથી ચાલે છે. આ કોન્ટ્રાકટ કોના પાસે છે અને વાસ્તવમાં તેની પાછળ કયા મોટા માથા છે તેની અટકળો તેજ બની છે. આજે આ હાઇવે પર માલીયાસણ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. ચોમેર ખોદી નાંખેલા રસ્તાઓના કામ અને બ્રીજના કામ થતાં નથી. છતાં નેશનલ હાઇવે ઓથોરીટી, ગુજરાત સરકાર, ગુજરાતના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો વગેરે કોઇ કારણોસર હાથ પર હાથ જોડીને બેઠા છે. લાખો માનવ કલાકોનો આ રસ્તા પર વ્યય થાય છે. માત્ર એસટી તંત્રને જ રૂ.૨૧ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે. ખાનગી વાહનોનો નુકશાનીનો આંકડો કોઇ કાઢી શકે તેમ નથી. એકંદરે વાયબ્રન્ટ કહેવાતી સરકાર રાજકોટ-અમદાવાદ હાઇવે બાબતે રેઢીયાળ સાબિત થઇ છે. ‘અગ્ર ગુજરાત’ તા.૨૮-૬ અને તા.૨૯-૬ના રોજ આ હાઇવેની સંપૂર્ણ હાલત અંગે અહેવાલ પ્રસિધ્ધ કર્યા છે. પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ બાબતો દુર્લક્ષ સેવી ઢગલા મોઢે મત આપતા મતદારોની અવગણના કરી છે.