- તાપની અસર લીલા શાકભાજી પર પડી, લોકલ આવક બંધ થતાં શાકભાજીની અછત
- કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ
- સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.44 કિલો મળી રહ્યા છે
ઉનાળામાં ખુબ આકરો તાપ પડી રહ્યો છે, લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.બીજી બાજુ લોકલ આવક બંધ થતા લીલા શાકભાજીની અછત ઉભી થઈ છે.
મોંઘવારીકાળમાં કઠોળ બાદ લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજીની સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ રૂ.4નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.44 કિલો મળી રહ્યા છે.જયારે લીલા શાકભાજી રૂ.100 થી 160 કિલો મળી રહ્યા છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. વેપારીના જણાવ્યા મુજબ ટામેટા મહારાષ્ટ્ર અને બેગ્લોરથી આવતા હોય છે.જેમાં ઉનાળાની ગરમીને લીધે 20 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો જયારે કોથમીર એમપીથી આવે છે જેની આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે.


