- સાઇબર ક્રાઈમ પર એક્શન લેવા શરૂ થયેલી હેલ્પલાઈન નંબર પર સવાલો કરતી સિસ્ટમ સામે સવાલ
- ઓટો સિસ્ટમના કારણે 3 મિનિટ સુધી અલગ અલગ નંબર ડાયલ કર્યા બાદ મુખ્ય વાત સંભળાય છે.
- ફરિયાદીની સરળતા અને ફેક કોલ રોકવા સિસ્ટમ શરૂ કર્યાનો સાયબર સેલનો બચાવ
જો તમે સાયબર ક્રાઈમને લઈને ભોગ બન્યા હોય અને તમારે તાત્કાલિક ફ્રોડમાં ગુમાવેલા નાણા અંગે કે તમારા એકાઉન્ટના હેકીંગ વિશે સાયબર સેલમાં ફરિયાદ કરવી હોય તો ઓછામાં ઓછા 3 મિનિટ માટે રેપિડ રાઉન્ડ જેવી સિસ્ટમને સહન કરવા તૈયાર થઈ જશો. કેમ સાયબર સેલે આપેલા નંબર પર ફરિયાદ નોધાવવા માટે તાત્કાલિક નહી પણ ઓછામાં ઓછી અઢી કે 3 મિનિટ માટે ધીરજ ધરવી પડશે.
સાયબર ક્રાઈમની ફરિયાદ લઈ તત્કાળ એક્શન લેવા માટે શરૂ થયેલી હેલ્પલાઈનની ઓટો વોઈસ સિસ્ટમ સામે હવે સવાલ થઈ રહ્યા છે. 1930 હેલ્પલાઈન છે કે, મોબાઈલ કંપનીનો કસ્ટમર કેર નંબર? તેવી ચર્ચા પરેશાન લોકોમાં થઈ રહી છે. આ નંબર પર ભોગ બનનારા કોલ કરે ત્યારે જૂદા જૂદા ઓટો વોઈસ સિસ્ટમ અને ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અઢી થી ત્રણ મિનીટ બાદ સામે સાયબર સેલના પ્રતિનિધી સાથે વાત થઈ શકે છે. બીજી તરફ સાયબર સેલના અધિકારીઓ પોતાનો બચાવ કરતા આ સિસ્ટમ લોકોની સરળતા માટે ઉભી કર્યાનો દાવો કરી રહ્યા છે. સાયબર ક્રાઈમને રોકવા અને ત્વરીત એક્શન લેવા માટે કેન્દ્રીય ગૃહવિભાગે 15520 હેલ્પલાઈન નંબરની જગ્યાએ 2022માં નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930ની સેવા શરૂ કરી હતી. આ હેલ્પલાઈનું સુકાન દરેક રાજ્યના સાયબર સેલને સોંપવામાં આવ્યું હતું. ખાસ કરી હેલ્પલાઈનનો હેતું એવો હતો કે, કોઈના ખાતામાંથી ઓનલાઈન ફ્રોડ કરી સાયબર ઠગોએ બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ રોકવાનો હતો. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિના નાણાં જે ખાતામાં ગયા હોય તે ખાતાને ફ્રીઝ કરવામાં આવતું હતું. જેથી ફ્રીઝ કરેલા બેંક ખાતામાંથી ભોગ બનનારની રકમ પરત લાવી શકાય. અગાઉ આ હેલ્પલાઈન પર તમે કોલ કરો એટલે તુરત જ પોલીસ અધિકારી તમારી સાથે વાત કરી તમારી ફરિયાદ લઈને એક્શન લેતા હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ હેલ્પલાઈનમાં સાયબર સેલે ગોઠવેલી ઓટો વોઈસ સિસ્ટમને લઈને ભોગ બનનારા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે .
બીજી તરફ સાયબર સેલ અધિકારીઓ લોકોની સરળતા અને સુવિધા માટે ઓટો વોઈસ સિસ્ટમ મુક્યાનો બચાવ કરે છે. ગાંધીનગર સીઆઈડી સાયબર સેલના એસપી બી.એમ.ટાંકે જણાવ્યું કે, આ હેલ્પલાઈન નંબરમાં પાંચ માસ અગાઉ ઓટો વોઈસ સિસ્ટમ લોકોની સરળતા માટે મુકી છે. હેલ્પલાઈન પર અગાઉ ડાયરેક્ટ કોલ લાગતો ત્યારે 2700 કોલ આવતા જેમાં માત્ર 300થી 350 કોલ ભોગ બનનારના આવતા હતા. 2250 થી 2350 કોલ બિનજરૂરી, ફેક કે ખાલી ખરાઈ માટે આવતા હતા. આ બિનજરૂરી કોલને કારણે હેલ્પલાઈન નંબર વ્યસ્ત રહેતો હોવાથી ખરેખર ભોગ બનનાર વ્યક્તિ હેરાન થતા હતા. આ સિસ્ટમ મુક્યા બાદ રોજના કોલની સંખ્યા 2700થી ઘટીને1200ની થઈ છે. જેમાં 50 ટકા કોલ ભોગ બનનાર આવે છે.આમ, 1500 કોલ ઓછા થયા જેના કારણે લોકો સરળતાથી ફરિયાદ કરી શકે છે.
કેસ સ્ટડી હેલ્પલાઈન પર કોલ કરતા બનેલા કિસ્સાની વિગતો
કિસ્સો 1 : નવી ફરિયાદનું ઓપ્શન દબાવ્યા બાદ ફોન કટ થઈ ગયો
અમદાવાદ – કસ્ટમર કેર નંબર જેવી સિસ્ટમની ફરિયાદ ઉઠતા તપાસ સંદેશના પ્રતિનીથીએ સોમવારે રાત્રે 8 વાગ્યે હેલ્પલાઈન નંબર કોલ કરતા 2.37 મિનિટ સુધી કોલ ચાલ્યો બાદ કટ થયો હતો. નવી ફરિયાદનું ઓપ્શન પ્રેસ કર્યા બાદ વોઈસ કેસેટ ચાલ્યા બાદ ફોન કટ થયો હતો.
કિસ્સો 2 : નકલી ઈન્સ્ટા ID અંગે ફરિયાદ માટે કોલ કરનારની તકલીફ
અમદાવાદ – શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિના ફોટો પ્રોફાઈલમાં મુકી તેઓના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી સાયબર ઠગે મિત્ર વર્તુળ અને સગાસબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પૈસાની જરૂર હોવાનો મેસેજ કર્યા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિએ હેલ્પલાઈન નંબર રવિવારે કોલ કરતા તેઓ પણ ઓટો વાઈસ રેકોર્ડીંગ સિસ્ટમને કારણે હેરાન થયા હતા. ઓટો વોઈસની કેસેટ સાંભળ્યા બાદ અઢી મિનીટ પછી સાયબર અધિકારી સાથે વાત થઈ અને તેઓની ફરિયાદ લેવાઈ હતી. જો કે, ફરિયાદ લેનાર અધિકારીએએલિસબ્રિજ પોલીસ સ્ટેશન સિસ્ટમ નાંખ્યું પણ આવતું ન હતું. આખરે પિનકોડ નંબર આપ્યો ત્યારે પોલીસ સ્ટેશન મળ્યું હતું.
કિસ્સો 3 : હેલ્પલાઈન જ્યારે પણ કોલ કરો અઢીથી ત્રણ મિનિટે પ્રતિનિધિ સાથે વાત થાય
અમદાવાદ – સાયબર સેલની હેલ્પલાઈન નંબર ફરિયાદ માટે જ્યારે પણ તમે કોલ કરો પણ સાયબર પ્રતિનિધી સાથે વાત કરવામાં અઢી મિનિટનો સમય તો મિનિમમ લાગે છે. સોમવારે બપોરે આ મામલે ચેક કરવા માટે કોલ કરતા એજ વોઈસ રેકોર્ડીગની કેસેટ ચાલ્યા બાદ અઢી મિનીટ પછી સાયબર પ્રતિનીધી સાથે વાત થઈ હતી.
કેવી રીતે સાઇબર સેલ તમારી ફરિયાદ સાંભળે છે
હેલ્પલાઈન પર તમે કોલ કરો એટલે ઓટો વોઈસ મશિન તમારૂ સ્વાગત કરે, પછી તમારા વિસ્તારનો પિનકોડ નંબર, જીલ્લાનું નામ અને પોલીસ સ્ટેશનનું નામ જાણી લેવાનું કહે છે. બાદમાં તમારે ફરિયાદ ગુજરાતીમાં કરવી હોય તો 1 નંબર અને હિન્દીમાં કરવી હોય તો 2 નંબર દબાવો તેવી સૂચના આપે છે. તે કર્યા પછી ગુજરાતીમાં ફરી પોલીસ સ્ટેશન, પીનકોડ અને જીલ્લાના નામની કેસેટ ચાલે બાદમાં તમારી ફરિયાદનું સ્ટેટસ જાણવા 1, એકાઉન્ટ ફ્રીઝ થયું હોય તો 2 અને નવી ફરિયાદ માટે 3 દબાવો વગેરે પોઈન્ટ પર કેસેટ ચાલ્યા બાદ તમે 3 નંબર પ્રેસ એટલે સામે છેડે સાયબર અધિકારી સાથે તમારી વાત શક્ય બને છે. આ સમગ્ર પ્રક્રીયામાં અઢી થી ત્રણ મિનીટનો સમય લાગે છે.


