- વસ્ત્રાલમાં પડેલા ભૂવા અંગે AMC કમિશનરની કાર્યવાહી
- વિજિલન્સ તપાસમાં બેદરકારી જણાતા અપાઈ ચાર્જશીટ
- એક જ જગ્યા પર 20 દિવસમાં બે વાર ભૂવો પડ્યો હતો
અમદાવાદના વસ્ત્રાલમાં એક જ જગ્યા પર પડેલા ભુવા મામલે AMC કમિશનરે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં એક જ જગ્યા પર 20 દિવસમાં જ બીજી વખત ભૂવો પડતા 4 અધિકારીઓને એએમસી કમિશનરે ચાર્જશીટ આપવામાં આવી છે.
એએમસી કમિશનરે 4 અધિકારીઓને આપી ચાર્જશીટ
શહેરના વસ્ત્રાલમાં 20 દિવસમાં જ એક જ જગ્યા ઉપર બે વખત ભૂવો પડવામાં આવતા 4 અધિકારીઓ સામે એએમસી કમિશનરે કાર્યવાહી કરી છે. ભૂવો પડ્યા બાદ વિજિલન્સ તપાસમાં બેદરકારી સામે આવ્યા બાદ ચાર્જશીટ આપવામાં આવી છે. આસિસ્ટન્ટ ઈજનેર અંકુર પટેલ, આસિસ્ટન્ટ સિટિ ઈજનેર કેતન મિસ્ત્રી, ડેપ્યુટી સિટી ઈજનેર જય ઉપાધ્યાય અને એડીશનલ સિટી ઈજનેર રાજેશ રાઠવાને ચાર્જશીટ આપવામાં આવી છે.
થોડા દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર અધિકારીઓનો ઉધડો લીધો હતો
થોડા દિવસો પહેલા પણ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવાને લઈ અને ભુવા પડવા મામલે મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર અધિકારીઓનો ઉધડો લીધો હતો. AMC કમિશનર એમ. થેન્નારસને ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવા, કેચપીટોની સફાઈ, પાણી કેમ ઝડપથી ઉતર્યા નથી, રોડ સેટલમેન્ટ, ભૂવા પડવા સહિતના મામલે ઈજનેર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ટકોર કરી હતી કે તમે ઘણા વર્ષોથી અહીં કામ કરો છો, વરસાદી પાણી ભરાય નહીં તે માટે કાયમી કોઈ ઉકેલ લાવો, તેના માટે SOP બનાવો તેમજ ટેમ્પરરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખીને તળાવોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
મ્યનિસિપલ કમિશનરે હેલ્થ અધિકારીઓને ખખડાવ્યા
ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે, ત્યારે કોલેરા, ટાઈફોઈડ, મચ્છરજન્ય રોગચાળાના કેસો સતત વધ્યા છે, તેને લઈને પણ મ્યનિસિપલ કમિશનરે હેલ્થ અધિકારીઓને ખખડાવ્યા હતા. સાથે જ સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાથી પૂર્વ પટ્ટાના ઈન્ડસ્ટ્રીયલ યુનિટો, પ્રોસેસ હાઉસોમાં વહેલી તકે તપાસ કરવા કડક સૂચના આપી હતી. આ સાથે જ હોટલ અને ફૂડ રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાને લઈ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.