- 30 લાખ વૃક્ષારોપણ માટે કોઈ SOP જ નથી
- ખર્ચના બિલો મુદ્દે કમિશનરે પબ્લિસિટી અધિકારીને ખખડાવ્યા
- રિવ્યુ બેઠકમાં ગાર્ડન વિભાગની કામગીરીને લઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી
AMC કમિશનર એમ. થેન્નારસને, ‘મિશન મિલિયન ટ્રી’ અંતર્ગત શહેરમાં 30 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવા માટે યોગ્ય આયોજનના અભાવ બદલ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર અને વિવિધ કાર્યક્રમો માટે ખર્ચની મંજૂરી મેળવી લીધા પછી વધારાના ખર્ચ સાથેના બિલો મૂકવા બદલ પબ્લીસિટી વિભાગના વડાને ખખડાવ્યા હતા.
પ્રીમોન્સુન એક્શન પ્લાન અંતર્ગત રિવ્યુ બેઠકમાં ગાર્ડન વિભાગની કામગીરીને લઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. થ્રી મિલિયન મિશન અંતર્ગત શહેરમાં વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે ગાર્ડન વિભાગ દ્વારા અંદાજે 7 લાખથી વધુ પ્લાન્ટેશન અને સાધન સામગ્રી હોવાનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં ગાર્ડન વિભાગના અધિકારીઓનો ઉધડો લેતાં AMC કમિશનરે જણાવ્યું હતું કે, મોટાપાયે વૃક્ષારોપણ કરવાનું છે ત્યારે તમારું કોઇપણ પ્રકારનું પ્લાનિંગ નથી અને કોઈ SOP નથી. પબ્લીસિટી વિભાગની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરીને AMC કમિશનરે કહ્યું હતું કે, તમે કોઈપણ કાર્યક્રમ માટે જે મંડપ, લાઈટ, ડેકોરેશન અને સાધનોનો ખર્ચો કરો છો એટલા ખર્ચામાં તો નવા સાધનો આવી જાય ? જ્યારે કોઈપણ કાર્યક્રમ કરવા માટે જેની સૈદ્ધાંતિક મંજૂરી માંગો છો અને તેમાં અંદાજિત ખર્ચ બતાવો છો તેના કરતાં ખર્ચ વધુ થાય છે અને મોટી રકમના બિલો બને છે.


