બોપલના ગરોડિયા ગામમાં અવાવરુ જગ્યાએથી 65 વર્ષીય એનઆરઆઇ એવા જમીન દલાલની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી. જમીન દલાલનો ફોન સતત બંધ આવતો હોવાથી માતાએ અમેરિકામાં રહેતા પુત્રને જાણ કરતા તેમણે ફાઇન્ડ માય લોકેશન પરથી સ્થળની જાણકારી મેળવી માતાને જાણ કરી હતી.
જે બાદ માતા સહિતનો પરિવાર સ્થળે પહોચતા મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બોપલ પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ હેબતપુરમાં પામ બીચમાં રહેતા 65 વર્ષીય દિપકભાઇ પટેલ નિવૃત્તિ બાદ જમીન દલાલીનું કામ કરતા હતા. તેમનો પુત્ર અને પુત્રી અમેરિકા રહે છે અને દિપકભાઈ તથા તેમની પત્ની અલ્પાબેન પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવે છે. જેથી દિપકભાઈ તથા અલ્પાબેન ભારત- અમેરિકા આવતા જતા રહેતા હતા. ગત 14 નવેમ્બરે દિપકભાઈ 12 વાગે ઘરેથી ગાડી લઈને નિકળ્યા હતા અને મોડી રાત્ર સુધી ઘરે પરત આવ્યા ન હતા. જેથી પત્ની અલ્પાબેને ફોન કર્યા છતા દિપકભાઈ ફોન ઉઠાવતા ન હતા. જેથી અલ્પાબેને આઈફોનમાં ફાઇન્ડ માય લોકેશન મારફ્તે લોકેશન ટ્રેક કર્યુ ત્યારે ગરોડીયાથી મણીપુર જતા રોડ પરનું મળી આવ્યું હતુ. જેથી અલ્પાબેને તેની પુત્રી ખુશાલી અને પુત્ર જીગરને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં લોકેશન ટ્રેક કર્યુ તો તે જ બતાવતુ હતુ. જેથી અલ્પાબેને તેમના વેવાઈ કલ્પેશભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
દીપકભાઇની ગાડીની ભાળ ન મળતા અનેક શંકાઓ ઊભી થઇ
દિપકભાઇ પટેલની ગાડીની ભાળ ન મળતા અનેક પ્રકારની શંકાઓ ઉભી થઇ છે. દિપકભાઇ તે દિવસે કોની સાથે ક્યાં ગયા હતાં અને છેલ્લે ફોન પર કોની સાથે વાત કરી તે અંગે ટેકનીકલ એનાલીસીસ અને મોબાઈલ લોકેશનના આધારે પણ તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસને પૈસાનીલેતી-દેતી મામલે હત્યાની આશંકા છે.