ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવાશે. સમાજના કોઈપણ પ્રસંગમાં તેમને નહીં આવકારવાનો નિર્ણય લેવાયો છે.
મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે
સમાજના આ નિર્ણય અંગે કિંજલ દવે એ એક વીડિયો મારફતે કહ્યું હતું કે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રાહ્મણની કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમા કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના રુલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે.
મારા પરિવાર સામે કોમેટ કરશે તો કાયદેસરના પગલાં લઈશ
કિંજલ દવેએ કહ્યું હતું કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ.
બિઝનેસમેન, એક્ટર ધ્રુવીન શાહ સાથે કરી સગાઇ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતાં. કિંજલ દવેએ સગાઈનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આંતરજ્ઞાતિય લગ્ન થતાં જ તેનો સમાજ કડક નિર્ણય પર આવી ગયો છે.


